22 May, 2026 04:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હૉકી-પ્લેયર મનપ્રીત સિંહે ટ્રેઇનિંગ સેશન માટે વિરાટ ઍન્ડ કંપનીને આમંત્રિત કર્યા
ભારતીય હૉકી ટીમના સ્ટાર મનપ્રીત સિંહે વિરાટ કોહલી અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને રસપ્રદ આમંત્રણ આપ્યું છે. હાલમાં વિરાટ કોહલીએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘આપણા દેશમાં ક્રિકેટ એટલું મહત્ત્વનું છે કે આપણે ઘણી વાર અન્ય રમતોને અવગણીએ છીએ. જો હું પ્રામાણિકપણે કહું તો અમારી પાસે ભારતીય હૉકી ખેલાડીની ફિટનેસની ૧૫ ટકા પણ ફિટનેસ નથી. જો હૉકી ખેલાડીઓ આપણાં ટ્રેઇનિંગ સેશન જોશે તો તેઓ હસી પડશે, કારણ કે તેમની રમતમાં ઊર્જાની ઘણી વધારે ડિમાન્ડ હોય છે.’ એક ઇન્ટરવ્યુમાં મનપ્રીત સિંહે વિરાટ કોહલીના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે ચોક્કસ અમે વિરાટ અને સમગ્ર બૅન્ગલોર ટીમને ટ્રેઇનિંગ સેશન માટે અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરવા માગીએ છીએ, અમે એકબીજા સામે સ્પર્ધા કરીશું.
વિરાટ કોહલી કંઈક મોટું કરવા જઈ રહ્યો છે?
છેલ્લાં બે વર્ષમાં ભારતની T20 અને ટેસ્ટ-ટીમમાંથી રિટાયરમેન્ટ લેનાર વિરાટ કોહલી આ વર્ષે અલગ દેખાઈ રહ્યો છે. વર્તમાન સમયમાં તે ખુલ્લેઆમ પોતાની યોગ્યતા પર બોલતો જોવા મળ્યો છે. ભારતની ટેસ્ટ-કૅપ્ટન્સી છોડવા વિશે બોલતો, ખરાબ માનસિક હાલત અને નબળા સમય વિશે વાત કરતો, વન-ડે વર્લ્ડ કપ વિશે મૅનેજમેન્ટને ખુલ્લેઆમ પડકાર ફેંકતો અને બાળપણના કોચ સાથે સ્પેશ્યલ વિડિયો બનાવતો વિરાટ કોહલી આટલાં વર્ષોમાં ભાગ્યે જ જોવા મળ્યો છે. આ બધું એક પ્રશ્ન ઊભો કરે છે કે શું કોહલી એવી કોઈ વસ્તુ માટે તૈયારી કરી રહ્યો છે જેની દુનિયા અપેક્ષા રાખતી નથી? શું પડદા પાછળ કંઈક ચાલી રહ્યું છે? અહેવાલો અનુસાર ટેસ્ટ-ક્રિકેટનું ચૅપ્ટર હવે તેની કરીઅરમાંથી સમાપ્ત થઈ ગયું છે. તેનું આગામી પગલું ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વિરુદ્ધ હોઈ શકે છે. ભારતના બન્ને ભૂતપૂર્વ ખેલાડીઓ આગામી વન-ડે વર્લ્ડ કપ માટે વિરાટ કોહલી અને રોહિત શર્માની ફિટનેસ પર બરાબર નજર રાખી રહ્યા છે. હેડ કોચ અને ચીફ સિલેક્ટરે ૨૦૨૭ના વર્લ્ડ કપની ટીમમાં સ્થાન માટે રોહિત-વિરાટને ક્યારેય સંપૂર્ણ સમર્થન આપ્યું નથી.
ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી માટે વિરાટ કોહલીને મનાવી રહ્યો છે તેનો બાળપણનો કોચ
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ એક પૉડકાસ્ટમાં મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કોહલીના કટ્ટર ચાહકો ટેસ્ટ-ક્રિકેટમાં તેની વાપસીનું કહેવા કોચ રાજકુમાર શર્માને વિનંતી કરી રહ્યા છે. રાજકુમાર શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે કોહલી સાથે ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી કરવા બાબતે ચર્ચા કરી છે? જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમે આના વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો જોઈએ શું થાય છે.’ વિરાટે ગયા વર્ષે મે મહિનામાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.