18 January, 2026 10:23 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને કે. એલ. રાહુલે નિર્ણાયક વન-ડે મૅચમાં ઊતરતાં પહેલાં બાબા મહાકાલના આશીર્વાદ લીધા
ઇન્દોરમાં રમાનારી ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે મૅચ પહેલાં ભારતીય ટીમના ઘણા સભ્યોએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવાની તક ઝડપી લીધી હતી. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને બૅટિંગ કોચ સિતાંશુ કોટક બાદ સ્ટાર પ્લેયર્સ કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે મહાકાલેશ્વર મંદિરની આરતી અને પૂજાવિધિમાં ભાગ લીધો હતો.
શુક્રવારે સાંજે એકલા મંદિર પહોંચેલા કે. એલ. રાહુલે નંદી સાથે સંબંધિત પૂજાવિધિ કરી હતી. વિરાટ કોહલી અને ટી. દિલીપ સાથે મંદિર પહોંચેલા કુલદીપ યાદવે કહ્યું હતું કે ‘આ એક શાનદાર અનુભવ હતો. મને પહેલી વાર અહીં આવ્યાને ૯ વર્ષ થઈ ગયાં છે. એ મને અપાર આનંદ અને શાંતિ આપે છે. ભગવાનની કૃપાથી બધું બરાબર છે અને જો તેમના આશીર્વાદ ચાલુ રહેશે તો અમે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરીશું.’