શૉકિંગ : વિરાટ કોહલીને નિવૃત્તિ ન લેવા માટે કોઈએ આગ્રહ નહોતો કર્યો...

14 May, 2025 07:33 AM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

શૉકિંગ : વિરાટ કોહલીને નિવૃત્તિ ન લેવા માટે કોઈએ આગ્રહ નહોતો કર્યો, ક્રિકેટ બોર્ડે કહી દીધું હતું કે તું હવે ટેસ્ટ-ટીમમાં ફિટ નથી બેસતો

વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળીને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગઈ કાલે જ મુંબઈ પાછાં આવી ગયાં હતાં.

ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીના ફૅન્સ માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનું મન બનાવનાર કોહલીને ભારતીય ક્રિકેટ બોર્ડે ફરી વિચાર કરવા આગ્રહ કર્યો હતો અને ક્રિકેટજગતના એક મોટા નામને તેને સમજાવવા મોકલવામાં આવશે એવા અહેવાલ સામે આવ્યા હતા, પણ હકીકતમાં આની તદ્દન જુદી અને ચોંકાવનારી ઘટના બની છે. અહેવાલ અનુસાર ભારતના સૌથી સફળ ટેસ્ટ-કૅપ્ટન કોહલીને ઇંગ્લૅન્ડ-ટૂર માટે ટીમમાં જગ્યા મળી શકે એમ નહોતું. બોર્ડે તેને કહી દીધું હતું કે તેના ખરાબ ફૉર્મને કારણે હવે તેને ભારતની ટેસ્ટ-ટીમમાં જગ્યા મળી શકે એમ નથી. 

ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયર થઈને વિરાટ પહોંચ્યો વૃંદાવન પ્રેમાનંદ મહારાજનાં ચરણોમાં

સોમવારે ટેસ્ટ-ક્રિકેટમાંથી વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી અને મંગળવારે તે પત્ની અનુષ્કા સાથે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં ચરણોમાં પહોંચ્યો હતો. બન્ને મહારાજના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં સાડાત્રણ કલાકથી વધુ સમય રોકાયાં હતાં. એ દરમ્યાન વિરુષ્કાએ પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા કરી હતી.
વિરાટ અને અનુષ્કા ભૂતકાળમાં પણ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લઈ ચૂક્યાં છે. સૌથી પહેલાં વિરાટ કોહલી ૨૦૨૩માં પ્રેમાનંદ મહારાજને મળ્યો હતો. ત્યાર બાદ વિરાટ અને અનુષ્કા આ વર્ષે ૧૦ જાન્યુઆરીએ તેમના આશીર્વાદ લેવા પહોંચ્યાં હતાં. 

કરી આધ્યાત્મિક ચર્ચા
વિરાટ આશ્રમમાં પહોંચ્યો ત્યારે પ્રેમાનંદ મહારાજે પૂછ્યું હતું, ‘પ્રસન્ન છો?’ ત્યારે વિરાટે કહ્યું, ‘હવે ઠીક છું.’ ત્યાર બાદ પ્રેમાનંદ મહારાજે ભગવાનના વિધાન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ‘જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે વૈભવ મળે એ કૃપા નથી. ભગવાનની કૃપાનો અર્થ છે અંદરના ચિંતનમાં બદલાવ આવવો. ભગવાનનું નામ જપો અને બિલકુલ ચિંતા ન કરો.’  એ પછી વાતચીત દરમ્યાન વિરાટે પૂછ્યું હતું કે નિષ્ફળતાને કેવી રીતે દૂર કરવી ત્યારે મહારાજે કહ્યું હતું કે ‘અભ્યાસ કરતા રહો, વિજય નિશ્ચિત છે. તમારા અભ્યાસને સતત અને નિયંત્રણમાં રાખીને આગળ વધો. જેમ ભગવાનનું નામ લેવું એ મારા માટે એક સાધના છે એમ ક્રિકેટ તમારા માટે સાધના છે. વચ્ચે-વચ્ચે ભગવાનનું નામ લેતા રહેજો.’

અનુષ્કા થઈ ભાવુક
અનુષ્કા અને વિરાટ મંગળવારે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યાં ત્યારે બન્ને ખૂબ ભાવુક થઈ ગયાં હતાં. સોશ્યલ મીડિયા પર અનુષ્કા-વિરાટનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં પ્રેમાનંદ મહારાજની વાતો સાંભળીને અનુષ્કા શર્મા ભાવુક થઈ ગઈ હતી અને ભાવુકતાને કારણે તેની આંખમાંથી આંસુ વહી ગયાં હતાં.

વિરાટ-અનુષ્કાએ આંગળીમાં શું પહેર્યું છે?
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મંગળવારે વૃંદાવનમાં શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી. જોકે એ સમયે તેમના હાથમાં એક ખાસ ડિજિટલ ટેલિ ઇલેક્ટ્રૉનિક ફિંગર ક્લિકર રિંગ જોવા મળી હતી જે સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની છે. આ ઉપકરણને ડિજિટલ જપમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો ઉપયોગ ભગવાનના નામના જાપ ગણવા માટે કરવામાં આવે છે. 

ડિજિટલ ટેલિ ઇલેક્ટ્રૉનિક ફિંગર ક્લિકર રિંગ એ એક આધુનિક ઉપકરણ છે જે પરંપરાગત જપમાળાનું ડિજિટલ સ્વરૂપ છે. એ એક નાની વીંટીરૂપે ડિઝાઇન કરવામાં આવે છે જે આંગળીમાં પહેરાય છે. આ રિંગમાં એક બટન હોય છે જેને દબાવવાથી જાપની ગણતરી ડિજિટલી રેકૉર્ડ થાય છે. નાનું ડિસ્પ્લે સ્ક્રીન ગણતરી દર્શાવે છે જેનાથી વપરાશકર્તાને પોતાના જાપની ચોક્કસ સંખ્યા ખબર પડે છે. આ ઉપકરણ આધ્યાત્મિક લોકોમાં લોકપ્રિય છે, કારણ કે એ પરંપરાગત જપમાળા કરતાં વધુ અનુકૂળ અને પોર્ટેબલ છે.

virat kohli virat anushka anushka sharma vrindavan test cricket board of control for cricket in india sports news sports premanand ji maharaj