13 January, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હું મારા અવૉર્ડ્સ મમ્મીને મોકલી દઉં છું, એ મારી ટ્રોફી સાચવે છે અને ગર્વ કરે છે
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સચિન તેન્ડુલકર (૭૬) બાદ સૌથી વધુ ૭૧ વખત પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ (POTM) જીતનાર વિરાટ કોહલીએ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. દીકરી વામિકાની પાંચમી વર્ષગાંઠ પર બરોડામાં ૭ રનથી સદી ચૂક્યા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘મને નથી ખબર કે મેં કેટલા અવૉર્ડ્સ જીત્યા છે. હું એ બધા મારી મમ્મી પાસે ગુરગ્રામના ઘરે મોકલી દઉં છું. તેને મારી ટ્રોફી સાચવવી ગમે છે અને તે મારા માટે ગર્વ કરે છે.’
સચિન તેન્ડુલકર બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાના માઇલસ્ટોન સુધી પહોંચવા વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘જો હું મારી આખી સફર પર નજર કરું તો એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. ભગવાને મને ઘણુંબધું આપ્યું છે અને હું ખૂબ જ આભારી છું. હું પ્રામાણિકપણે રમી રહ્યો છું, માઇલસ્ટોન વિશે વિચારતો નથી.’
સ્ટેડિયમમાં દેખાઈ રહેલા ફૅન્સના ઉત્સાહ વિશે તેણે કહ્યું હતું કે ‘હું બૅટિંગ માટે આવું એ પહેલાં અગાઉનો બૅટર આઉટ થાય ત્યારે ફૅન્સ તાળીઓ પાડે છે. પ્રામાણિકપણે મને એ ગમતું નથી. મેં એમ. એસ. ધોની સાથે પણ એ જોયું છે. હું સમજું છું કે ભીડ ઉત્સાહિત થાય છે. હું ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું. હું આભારી છું, એ એક આશીર્વાદ છે કે લોકો આવે છે અને મને જુએ છે. જ્યારે હું ખુશ ચહેરાઓ જોઉં છું ત્યારે મને આનંદ થાય છે.’
કૉમેન્ટેટર સંજય માંજરેકરે થોડા દિવસ પહેલાં વન-ડેને સરળ ગણાવી વિરાટ કોહલીની માત્ર આ જ ફૉર્મેટ રમવા માટે ટીકા કરી હતી. આ મામલે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ વધુ એક શાબ્દિક પ્રહાર સંજય માંજરેકર પર કર્યો છે.
વિરાટ કોહલીએ ૯૩ રન બનાવ્યા અને ભારતે ન્યુ ઝીલૅન્ડને ૪ વિકેટથી હરાવ્યું એ પછી વિકાસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ થ્રેડ્સ પર લખ્યું, ‘કેટલું સરળ ફૉર્મેટ, ખરુંને? થોડા દિવસો પહેલાં કોઈએ પોતાનું જ્ઞાન શૅર કર્યું હતું. કહેવું સરળ છે પણ કરવું મુશ્કેલ.’
અગાઉ વિકાસે ટૉન્ટ માર્યો હતો કે કેટલાક લોકોનું ગુજરાન વિરાટ કોહલીનું નામ લીધા વગર નથી ચાલતું.