17 October, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કાંગારૂઓ સામેની વન-ડે સિરીઝ પહેલાં ગઈ કાલે વિરાટ કોહલીએ એક ટ્વીટ કરીને ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી હતી. તેણે સવારે સોશ્યલ મીડિયા X પર લખ્યું કે ‘તમે ત્યારે જ ખરેખર નિષ્ફળ થાઓ છો જ્યારે તમે હાર માનવાનો નિર્ણય લો છો.’ આ ટ્વીટથી તેના ફૅન્સમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. ઑસ્ટ્રેલિયાની ટૂર તેની અંતિમ સિરીઝ બનશે એવી ચર્ચાઓ વચ્ચે તેના ફૅન્સ આશા રાખી રહ્યા છે કે તે વન-ડે વર્લ્ડ કપ 2027 સુધી રમશે.
જોકે આ પોસ્ટના બે કલાક બાદ તમામ ક્રિકેટ-ફૅન્સના આત્મવિશ્વાસ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. આ જ ટ્વીટના રિપ્લાયમાં તેણે પોતાની મેન્સ ફૅશનબ્રૅન્ડ Wrognનો વિડિયો શૅર કર્યો હતો. એની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘નિષ્ફળતા તમને એવી બાબતો શીખવે છે જે વિજય ક્યારેય શીખવશે નહીં.’ એટલે કે તેની આ બન્ને પોસ્ટ એક માર્કેટિંગ યુક્તિ હતી. જોકે કેટલાક ફૅન્સ આ ટ્વીટને વન-ડે વર્લ્ડ કપ 2027માં રમવાની તૈયારી અંગેનો સ્પષ્ટ સંદેશ જ માની રહ્યા છે.