18 April, 2026 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ વધુ એક રૂપસુંદરીનો ફોટો લાઇક કરીને ફસાયો
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટર છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેની નાનકડી હરકત વાઇરલ થઈ જતી હોય છે. યંગ બૉલીવુડ ઍક્ટ્રેસ અવનીત કૌર બાદ તે વધુ એક રૂપસુંદરીનો ફોટો લાઇક કરીને ફસાયો છે. સાઉથ આફ્રિકન અને જર્મન મૂળની એક ઇન્ફ્લુએન્સર લિઝલૅઝના ૩૦ જાન્યુઆરીએ પોસ્ટ કરેલા બોલ્ડ ફોટો પર વિરાટ કોહલીની હાલમાં લાઇક જોવા મળી છે.
લિઝલૅઝ ભારતમાં લાંબા સમયથી યુટ્યુબ સહિતનાં માધ્યમો માટે રસપ્રદ વિડિયો બનાવે છે. તેણે ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો હતો. તે કેટલીક પોસ્ટમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની જર્સીમાં પણ જોવા મળી છે. ગયા વર્ષે અવનીત કૌરની પોસ્ટ પર લાઇક કરી હોવાની વાત સામે આવતાં વિરાટે લાઇક હટાવીને ખુલાસો કર્યો હતો કે આ ઇન્સ્ટાગ્રામ ઍલ્ગરિધમને કારણે થયું છે, મેં પોતાની રીતે લાઇક નથી કરી. હવે લિઝલૅઝની પોસ્ટ પરથી તેણે લાઇક હટાવી છે, પરંતુ કોઈ નિવેદન જાહેર નથી કર્યું.
લિઝલૅઝની એ પોસ્ટ પર હાલમાં વિરાટ કોહલીની ફીરકી લેવામાં આવી રહી છે. કેટલાક ફૅન્સે કમેન્ટ કરી છે કે ‘દીકરા અકાયના હાથમાંથી ફોન લઈ લો, કદાચ તેણે લાઇક કરી હશે.’ પંજાબ કિંગ્સના સ્પિનર અને વિરાટ કોહલીની ટીમ બૅન્ગલોરના ભૂતપૂર્વ પ્લેયર યુઝવેન્દ્ર ચહલે તો આ પોસ્ટ પર ઍલ્ગરિધમ શબ્દ લખીને ખોપરીનું ઇમોજી શૅર કર્યું હતું.