ટી૨૦ના કૅપ્ટનપદેથી વિરાટ લેશે વિરામ

17 September, 2021 07:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ તેમ જ વન-ડેમાં કૅપ્ટન્સી ચાલુ રાખશે, આઇપીએલમાં રોહિત શર્માનો શાનદાર રેકૉર્ડ કૅપ્ટન વિરાટ કોહલી પર ભારે પડ્યો

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ ગઈ કાલે યુએઈમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના ટી૨૦ના કૅપ્ટનપદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી, પરંતુ ટેસ્ટ અને વન-ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. આ સાથે જ આ ફૉર્મેટમાં રોહિત શર્માનો કૅપ્ટન બનવાનો માર્ગ સરળ બન્યો હતો. કોહલીએ પોતાના ટ્વિટર-પેજ પર એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે દુબઈમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ બાદ મેં ટી૨૦ના કૅપ્ટનપદેથી હટવાનો નિર્ણય લીધો છે. વર્ક-લોડ બહુ મહત્ત્વનો છે. છેલ્લાં આઠ-નવ વર્ષથી હું ત્રણેય ફૉર્મેટમાં રમી રહ્યો છું અને પાંચ-છ વર્ષથી કૅપ્ટન પણ છું. મને લાગે છે કે મારે ભારતીય ટીમની ટેસ્ટ અને વન-ડે માટે જાતને તૈયાર કરવા થોડો સમય આપવો જોઈએ. ૩૪ વર્ષનો રોહિત ટી૨૦ અને વન-ડેમાં વાઇસ કૅપ્ટન હતો. ભારતીય ટીમ નવેમ્બરમાં ન્યુ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે ટી૨૦ સિરીઝ રમશે ત્યારે રોહિતને ટીમની જવાબદારી સોંપવામાં આવશે.

૬ મહિનાથી ચાલતી હતી ચર્ચા

ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કોહલીના નિર્ણય બાદ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે આ માટે અમારી વિરાટ કોહલી સાથે ચર્ચા ચાલી રહી હતી. ભારતીય ટીમને લઈને અમે એક ચોક્કસ રોડમૅપ તૈયાર કર્યો છે. વર્કલોડ અને કૅપ્ટન્સીને લઈને પણ અમારી ચિંતા છે. છેલ્લા ૬ મહિનાથી અમારી વિરાટ અને અન્ય સભ્યો સાથે આ મામલે ચર્ચા ચાલતી હતી. વિરાટ ખેલાડી તરીકે પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.’

ગાંગુલીએ જણાવ્યું કારણ

કોહલીના રાજીનામા વિશે વાત કરતાં ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ‘ભારતીય ક્રિકેટ માટે વિરાટ એક સાચી સંપત્તિ સમાન છે. તમામ ફૉર્મેટમાં તેણે સફળતાપૂર્વક ટીમનું નેતૃત્વ કર્યું છે. આ નિર્ણય ભવિષ્યના રોડમૅપને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. વિરાટને અમે આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે વિરાટ ઘણા બધા રન કરે.’

ખરાબ બૅટિંગ પ્રદર્શન

ક્રિકેટ-નિષ્ણાતોના મતે કોહલીનું ખરાબ બૅટિંગ-ફૉર્મ પણ કૅપ્ટન્સી છોડવા પાછળનું કારણ બન્યું છે. એથી કોહલી ટી૨૦માં કૅપ્ટન્સીની ચિંતાને છોડી પોતાના ફૉર્મ પર ધ્યાન આપવા માગે છે. ૨૦૨૦ની શરૂઆતથી ટેસ્ટ ક્રિકેટમાં તે સારું પ્રદર્શન નથી કરી રહ્યો. છેલ્લી ૧૨ ટેસ્ટ ઇનિંગ્સમાં તેની ઍવરેજ ૨૬.૮૦ની રહી છે. વળી તમામ ફૉર્મેટની વાત કરીએ તો પણ છેલ્લી ૫૩ ઇનિંગ્સથી તેણે એક પણ સદી ફટકારી નથી. ગંભીરે કહ્યું કે ‘વિરાટ ટી૨૦માં ખરાબ કૅપ્ટન નથી, પરંતુ રોહિતે આઇપીએલમાં અદ્ભુત કામગીરી કરી છે. તેણે પોતાની ટીમને પાંચ વખત ટાઇટલ જિતાડી આપ્યું છે, તો બીજો કૅપ્ટન એક પણ ટાઇટલ જિતાડી શક્યો નથી.. આમ રોહિત વધુ સારો લીડર છે.’

ધોનીની નિમણૂક સાથે સંબંધ

એક તરફ ધોનીની ટીમના મેન્ટર તરીકે નિમણૂક થઈ છે એના થોડા દિવસ બાદ કોહલીનું રાજીનામું આવ્યું છે. જય શાહે પણ ધોનીની નિમણૂક પાછળનું ચોક્કસ કારણ આપ્યું નથી. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોની તેમને યોજના બનાવવામાં અને મૅચ વખતે ખેલાડીઓની પસંદગીમાં મદદ કરશે. ભારતે કોહલીના નેતૃત્વમાં ત્રણેય ફૉર્મેટમાં સારું પ્રદર્શન કર્યુ છતાં આઇસીસી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું છે. ગાંગુલી આ વાતને લઈને વધુ ચિંતિત છે. ધોનીની હાજરી કોહલીના ભારને થોડો ઓછો કરવાની સાથોસાથ શાસ્ત્રી અને કોચિંગ સ્ટાફને પણ યોજના બનાવવામાં સહાયરૂપ થશે.

રોહિત સાથે પણ થઈ વાતચીત

૨૦૧૭માં મહેન્દ્ર સિંહ ધોનીએ રાજીનામું આપતાં કોહલીને મર્યાદિત ઓવરની મૅચનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે મારા ટી૨૦ કૅપ્ટન્સીના કાર્યકાળ દરમ્યાન મેં ટીમને મારું સર્વસ્વ આપ્યું હતું. હવે ટી૨૦ના બૅટ્સમૅન તરીકે મારું યોગદાન આપતો રહીશ.’ કોહલીએ આ નિર્ણય હેડ કોચ રવિ શાસ્ત્રી, રોહિત શર્મા, ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સાથે ચર્ચા બાદ લીધો હતો.   

ટ્રોફીને લઈને દબાણ

૧૭ ઑક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો હતો. કોહલી પર આ કપ જિતાડવા માટે ઘણું દબાણ છે. કોહલીએ કહ્યું કે ‘આ નિર્ણય પર પહોંચવા માટે મને ઘણો સમય લાગ્યો હતો. આ મામલે રવિભાઈ અને રોહિત સાથે ચર્ચા થઈ હતી. જય શાહ અને સૌરવ ગાંગુલી ઉપરાંત સિલેક્ટરો સાથે પણ વાતચીત થઈ હતી. મારી ક્ષમતા મુજબ ભારતીય ક્રિકેટ ટીમને મારું યોગદાન આપવાનું ચાલુ રાખીશ.’

માન્યો તમામનો આભાર

ભારત તરફથી કોહલીએ ૯૦ ટી૨૦માં કુલ ૩૧૫૯ રન કર્યા છે, જેમાં ૨૮ હાફ સેન્ચુરી છે. તેણે કહ્યું કે ‘મને માત્ર ભારતીય ટીમ તરફથી રમવા જ નથી મળ્યું, મેં કૅપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. કૅપ્ટન તરીકેના મારા પ્રવાસમાં મને સાથ આપનારા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, સિલેક્શન કમિટી તથા મારા કોચ એ  તમામનો હું આભારી છું. તેમના સાથ વગર હું કાંઈ મેળવી શક્યો ન હોત.’

કૅપ્ટન વિરાટ કોહલી

છેલ્લાં ૮-૯ વર્ષથી હું ત્રણેય ફૉર્મેટમાં રમી રહ્યો છું અને પાંચ-છ વર્ષથી કૅપ્ટન પણ છું. મને એવું લાગે છે કે મારે ભારતીય ટીમના ટેસ્ટ અને વન-ડે માટે જાતને તૈયાર કરવા થોડો સમય આપવો જોઈએ.

ટી૨૦ના કૅપ્ટન તરીકેની સિદ્ધિ

કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ભલે આઇસીસી ટ્રોફી ન જીતી શકી હોય, પરંતુ સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં ભારત ટી૨૦ સિરીઝ જીત્યું હતું.

૨૦૧૭માં ભારત શ્રીલંકા સામે ટી૨૦ સિરીઝ જીત્યું

૨૦૧૮માં ભારતે સાઉથ આફ્રિકાને ૨-૧થી હરાવ્યું

૨૦૧૮માં ભારતે ઇંગ્લૅન્ડને તેમના ઘરઆંગણે ૨-૧થી હરાવ્યું

૨૦૧૯માં ભારતે ન્યુ ઝીલૅન્ડને ૫-૦થી હરાવ્યું

૨૦૨૦ ભારતે વન-ડે સિરીઝ હાર્યા બાદ ઑસ્ટ્રેલિયાને ૨-૧થી ટી૨૦માં હરાવ્યું

૨૦૨૧માં ભારતે ઇંગ્લૅન્ડને ઘરઆંગણે ૩-૨થી હરાવ્યું.

ટી૨૦માં કૅપ્ટન કોહલી

મૅચ        જીત        હાર         ટકાવારી

૪૫         ૨૭         ૧૪         ૬૫.૧૧

વન-ડેમાં પણ કૅપ્ટન નહીં રહે : ડ્રેસિંગરૂમમાં કરે છે સરમુખત્યાર જેવું વર્તન

વિરાટે ભલે પોતાના ગુમાવેલા બૅટિંગ-ફૉર્મને પાછું મેળવવા માટે ટી૨૦ના કૅપ્ટનપદેથી રાજીનામું આપી દીધું હોય, પરંતુ તે વન-ડેનો કૅપ્ટન પણ રહેશે કે નહીં એ અત્યારે કહી શકાય નહીં. વિરાટને ખબર હતી જ કે જો ટી૨૦ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને કૅપ્ટનપદેથી હટાવવામાં આવત. જોકે બોર્ડ તેને નજીકના ભવિષ્યમાં વન-ડેના કૅપ્ટનપદેથી હટાવે એવી શક્યતા છે.

 ડ્રેસિંગરૂમમાં કોહલીના ડેપ્યુટી રોહિતને લીડર ગણવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં ભલે કિંગ કોહલી કહેવામાં આવતું હોય, પરંતુ ડ્રેસિંગરૂમમાં તેને પૂરતો સપોર્ટ નથી મળતો. તેની કામ કરવાની પદ્ધતિ સરમુખ્ત્યાર જેવી છે. જેમાં તમામને સાથે લઈને ચાલવાનો અભિગમ નથી. પછી ભલે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં બે સ્પિનરોને રમાડવાની વાત હોય છે. ૨૦૧૯ના વર્લ્ડ કપ પહેલાં કોઈ ખેલાડીને ચોથા ક્રમાંકે સેટલ જ નહોતો થવા  દીધો.

કોહલીની કૅપ્ટન્સીમાં રમનાર એક ખેલાડીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે કોહલી મેદાનની બહાર કોઈ ખેલાડી સાથે વાત જ નથી કરતો. રોહિતમાં ધોની જેવા કેટલાક ગુણ છે, પરંતુ થોડા અલગ રીતે. તે જુનિયર ખેલાડીઓને ખાવા લઈ જાય છે. ખરાબ પ્રદર્શન કરે ત્યારે આશ્વાસન પણ આપે છે. બીજી તરફ કોહલી ખેલાડીના ખરાબ પ્રદર્શન વખતે તેને સાવ કોરાણે મૂકી દે છે; પછી એ સ્પિનર કુલદીપ યાદવ, ખરાબ ફૉર્મ વખતે રિષભ પંત હોય કે સિનિયર બોલર ઉમેશ યાદવ હોય.

sports sports news cricket news virat kohli