કયા વિકેટકીપર-બૅટરને ટીમમાં એન્ટ્રી આપવી? રિષભ પંતને કે સંજુ સૅમસનને?

26 July, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં હોવા છતાં સંજુ સૅમસનને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી : ૨૦૧૫માં ડેબ્યુ કરનાર સંજુ સૅમસન ૨૮માંથી ૨૭ મૅચ ૨૦૨૦ પછી રમ્યો છે

ગૌતમ ગંભીર અને સંજુ સૅમસન

ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે શ્રીલંકા સામે શનિવારથી શરૂ થનારી T20 સિરીઝ માટે વિકેટકીપર-બૅટર રિષભ પંત અને સંજુ સૅમસન વચ્ચે પસંદગી કરવી પડકારજનક રહેશે. આ બન્ને આક્રમક વિકેટકીપર-બૅટ્સમૅન છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના રિટાયરમેન્ટ બાદ ભારતીય બૅટિંગ ઑર્ડરમાં બે જગ્યા ખાલી છે, પરંતુ બૅટ્સમૅન તરીકે બેમાંથી એકને મેદાનમાં ઉતારવો આસાન નહીં હોય. પંતે T20 વર્લ્ડ કપમાં ૧૭૧ રન બનાવ્યા હતા, જ્યારે સૅમસનને ટીમનો ભાગ હોવા છતાં એક પણ મૅચ રમવાની તક મળી નહોતી.

સૅમસને અત્યાર સુધીમાં ૨૮ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી છે જેમાં તેણે ૧૩૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી ૪૪૪ રન બનાવ્યા છે. બીજી તરફ પંતે અત્યાર સુધી ૭૪ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી છે જેમાં તેણે ૧૨૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી ૧૧૫૮ રન બનાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૨૦૧૫માં ઝિમ્બાબ્વે સામે T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરનાર સંજુ સૅમસને છેક જાન્યુઆરી ૨૦૨૦માં બીજી મૅચ રમી હતી. તેણે ૨૮માંથી ૨૭ મૅચ ૨૦૨૦ બાદ રમી છે.

કાર-અકસ્માત બાદ ટીમમાં વાપસી કરનાર રિષભ પંત વિકેટકીપર અને બૅટ્સમૅન બન્નેની ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કરીને પ્રશંસાને પાત્ર બન્યો હતો. આ બેમાંથી કોની પસંદગી કરવી એ મોટા ભાગે ટીમ-મૅનેજમેન્ટની વિચારસરણી પર નિર્ભર રહેશે. જોકે નવા હેડ કોચ બન્નેને મેદાન પર ઉતારીને વિરોધીઓને ચોંકાવી પણ શકે છે. પલ્લેકેલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણેય મૅચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. 

T20 સિરીઝ શેડ્યુલ
પ્રથમ T20    ૨૭ જુલાઈ
બીજી T20    ૨૮ જુલાઈ
ત્રીજી T20    ૩૦ જુલાઈ

હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ    ૨૯
ભારતની જીત    ૧૯
શ્રીલંકાની જીત    ૦૯
નો રિઝલ્ટ    ૦૧

sports news sports indian cricket team cricket news gautam gambhir Rishabh Pant sanju samson