વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની પહેલી ટેસ્ટના પહેલા દિવસે વરસાદને કારણે ૬૭ ઓવર જ રમાઈ

27 July, 2026 04:02 PM IST  |  Tarouba | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે વરસાદને કારણે માત્ર 67 ઓવર જ રમાઈ. કાવેમ હૉજેની અણનમ 83 રનની ઇનિંગ્સથી વેસ્ટ ઇન્ડીઝે 3 વિકેટે 194 રન બનાવ્યા.

વેસ્ટ ઇન્ડીઝ vs પાકિસ્તાન

ધ બ્રાયન લારા ક્રિકેટ ઍકૅડેમીમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ-મૅચની પહેલી મૅચ શરૂ થઈ હતી. પહેલા દિવસે વરસાદને કારણે 90ને બદલે માત્ર ૬૭ ઓવરની રમત થઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર કૅરિબિયન ટીમે ૬૭ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૪ રન કર્યા હતા.
પહેલા દિવસની રમત દરમ્યાન ત્રીજા ક્રમે બૅટિંગ કરવા આવેલા કાવેમ હૉજે ૧૮૧ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૮૩ રન કર્યા હતા. વિકેટકીપર બૅટર શાઇ હોપે ૯૧ બૉલમાં બે ફોરની મદદથી અણનમ ૩૯ રન કર્યા હતા.
પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસે બે વિકેટ અને આમેર જમાલે એક વિકેટ લીધી હતી. બાબર આઝમે આ મૅચથી પાકિસ્તાન ટેસ્ટ-ટીમના કૅપ્ટન તરીકે વાપસી કરી હતી. 

પાકિસ્તાન સામે ૨૬ વર્ષથી ટેસ્ટસિરીઝ નથી જીત્યું વેસ્ટ ઇન્ડીઝ

પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૯૫૮થી ૨૦૨૫ વચ્ચે ૫૬ ટેસ્ટ-મૅચ રમાઈ છે એમાંથી પાકિસ્તાન ૨૨ મૅચ અને વેસ્ટ ઇન્ડીઝ ૧૯ મૅચ જીત્યું છે. બન્ને વચ્ચે ૧૫ મૅચ ડ્રૉ રહી છે. જાન્યુઆરી ૨૦૨૫માં મુલતાનમાં રમાયેલી છેલ્લી 
ટેસ્ટ-મૅચમાં કૅરિબિયન ટીમે ૧૨૦ રને જીત નોંધાવી હતી. 
બન્ને ટીમો વચ્ચે ૧૯ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે એમાંથી વેસ્ટ ઇન્ડીઝ પાંચ ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. તેઓ છેલ્લે આ હરીફ સામે ૨૦૦૦માં ઘરઆંગણે જીત્યા હતા. ત્યાર બાદની ૮ સિરીઝમાંથી પાકિસ્તાન ચારમાં વિજેતા રહ્યું અને ૪ સિરીઝ ડ્રૉ રહી છે. પાકિસ્તાન ૬ ટેસ્ટ-સિરીઝમાં વિજેતા રહ્યું છે. છેલ્લી બે સિરીઝ સહિત ૮ ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રહી છે.

sports news sports cricket news pakistan west indies