વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમી-ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની એન્ટ્રી, UAE એક હાર સાથે આઉટ

18 February, 2026 10:46 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

ગ્રુપ Aની અંતિમ મૅચમાં નેપાલ સામે ભારતે ૭૯ રનનો ટાર્ગેટ ૭.૫ ઓવરમાં ચેઝ કર્યો

ગઈ કાલે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં ભારતે નેપાલને ૧૮ ઓવરમાં ૭૮ રનના સ્કોર પર ધરાશાયી કરી દીધું હતું

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇન્ડિયા Aએ વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ની સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. ગઈ કાલે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં ભારતે નેપાલને ૧૮ ઓવરમાં ૭૮ રનના સ્કોર પર ધરાશાયી કરી દીધું હતું. ઓપનર વૃંદા દિનેશે ૧૮ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૩૯ રન કરીને ૭.૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૮૨ રન કરીને ૭૯ રનનો ટાર્ગેટ સફળતાથી ચેઝ કરી લીધો હતો. ૭ વિકેટની જીત સાથે ગ્રુપ Aમાં ૪ પૉઇન્ટ અને +૩.૦૪૨ના નેટ રન-રેટ સાથે નંબર-વનનું સ્થાન મેળવી ભારતે સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. સ્પિનર તનુજા કંવર ૧૨ રન આપીને ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. ગઈ કાલની શરૂઆત પહેલાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ટીમ ૪ પૉઇન્ટ સાથે ગ્રુપ Aમાં ટૉપર હતી. જોકે ગઈ કાલે પાકિસ્તાન A સામે મળેલી ૯ વિકેટની હારને કારણે સતત બે મૅચ જીતનાર UAEની ટીમ -0.૭૬૫ના નેટ રન-રેટને કારણે ત્રીજા ક્રમે સરકી ગઈ હતી.  

UAEની કૅપ્ટન અને મુંબઈમાં જન્મેલી એશા ઓઝા વર્તમાન ટુર્નામેન્ટમાં ૨૦૦ રન સાથે હાઇએસ્ટ રન-સ્કોરર હતી. જોકે પાકિસ્તાન સામે તે ઓપનર તરીકે ૩ રન કરીને આઉટ થતાં તેની ટીમ ૧૭.૨ ઓવરમાં ૭૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાને ૧૧ ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાન સાથે ૮૧ રન કરીને ૮૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ગ્રુપ Aમાં બીજો ક્રમ મેળવીને સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. 

ગ્રુપ Bમાં બંગલાદેશ બાદ બીજી સેમી-ફાઇનલિસ્ટ આજે નક્કી થઈ જશે

ગ્રુપ Bમાં સતત બે મૅચ જીતીને બંગલાદેશની ટીમ સેમી-ફાઇનલિસ્ટ બની છે. આજે આ ગ્રુપની બે અંતિમ મૅચના રિઝલ્ટ બાદ બીજી સેમી-ફાઇનલ ટીમ નક્કી થશે. શ્રીલંકા બે પૉઇન્ટ અને +૨.૫૫૦ના નેટ રન-રેટ સાથે બીજા ક્રમે છે. યજમાન થાઇલૅન્ડ બે પૉઇન્ટ અને +૨.૪૩૨ના નેટ રન-રેટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે બે મૅચ હારનારી મલેશિયા ઝીરો પૉઇન્ટ અને -૫.૧૨૫ના ખરાબ નેટ રન-રેટને કારણે ચોથા ક્રમે છે. 

womens asia cup rising stars indian womens cricket team india pakistan cricket news sports sports news