હું ઇચ્છું છું કે ભારતીય ટીમ અમદાવાદમાં ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવે : કૅપ્ટન સૂર્યા

27 November, 2025 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ICCની શેડ્યુલ રીવીલ ઇવેન્ટમાં ભારતના T20ના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મોટું નિવેદન આપ્યું હતું

ICCની શેડ્યુલ રીવીલ ઇવેન્ટમાં એકસાથે જોવા મળ્યાં હતાં રોહિત શર્મા, હરમનપ્રીત કૌર અને સૂર્યકુમાર યાદવ.

ICCની શેડ્યુલ રીવીલ ઇવેન્ટમાં ભારતના T20ના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મોટું નિવેદન આપ્યું હતું. સવાલ હતો કે તે ભારત T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં કઈ ટીમને હરાવવા માગે છે? એનો જવાબ આપતાં કૅપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે હું ઇચ્છું છું કે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાને હરાવે. એના આ જવાબને ભારતની વર્લ્ડ કપ વિજેતા મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌરે પણ સમર્થન આપ્યું હતું.

પૅનલ-ચર્ચા દરમ્યાન સ્ટેજ પર હાજર રોહિત શર્માએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે ભારત ટોચ પર આવે એ જોવાનું મને ગમશે અને મને વિરોધી ટીમની પરવા નથી. ૨૦૨૬ની ૮ માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેન્સ T20 વર્લ્ડ કપની ૧૦મી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે અમદાવાદના આ જ સ્ટેડિયમમાં ભારતીય ટીમને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે કારમી હાર મળી હતી. 

કોઈને નથી મળ્યું એવું સન્માન મળ્યું રોહિત શર્માને

અનુભવી ક્રિકેટર રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટને અલવિદા કરી દીધું હતું. આ વર્ષે ટેસ્ટ-ફૉર્મેટ છોડ્યા બાદ હવે તે ભારત માટે માત્ર વન-ડે ફૉર્મેટ રમે છે. ICCએ હાલમાં રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટનો ઍમ્બૅસૅડર નિયુક્ત કર્યો છે. એ સાથે રોહિત T20 વર્લ્ડ કપ ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત થનારો પ્રથમ ઍક્ટિવ ક્રિકેટર બન્યો છે.

t20 world cup world cup international cricket council rohit sharma harmanpreet kaur suryakumar yadav world t20 t20 cricket news sports sports news