૪ ટીમ વચ્ચે WPL 2026ના પ્લેઑફનાં અંતિમ બે સ્થાન માટે રસાકસીનો જંગ

22 January, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર ૧૦ પૉઇન્ટ સાથે હાલમાં છે નંબર વન

સ્મૃતિ માન્ધના

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજથી ૧ ફેબ્રુઆરી દરમ્યાન ૭ મૅચ રમાશે જેમાં પ્લેઑફની અંતિમ બે ટીમ બનવા માટે ૪ ટીમ વચ્ચે રસાકસીનો જંગ જામશે. સ્મૃતિ માન્ધનાની બૅન્ગલોર ટીમ અજેય રહીને ૧૦ પૉઇન્ટ અને +૧.૮૮૨ના નેટ રનરેટ સાથે પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. હાલમાં બાકીની ચારેય ટીમ ૪ પૉઇન્ટ ધરાવે છે. ૪ હાર છતાં અન્ય ટીમ કરતાં સારા નેટ રનરેટને કારણે મુંબઈની ટીમ બીજા ક્રમે યથાવત્ છે.

પ્લેઑફની અંતિમ બે ટીમમાં સ્થાન મેળવવા દરેક ટીમનાં અલગ સમીકરણ છે. દરેક ટીમ કુલ ૮ ગ્રુપ સ્ટેજ મૅચ રમશે. મુંબઈએ પોતાની બાકીની બન્ને મૅચ જીતીને નેટ રનરેટને વધુ મજબૂત બનાવવું પડશે. યુપી વૉરિયર્ઝે સતત ૩ હાર બાદ બૅક-ટુ-બૅક મૅચ જીતીને રેસમાં વાપસી કરી છે.

યુપી પોતાની બાકીની ૩માંથી બે મૅચ જીતીને પણ પ્લેઑફમાં ક્વૉલિફાય થઈ શકશે.

દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સને પોતાની પાંચ મૅચમાંથી બે જીત અને ૩ હાર મળી છે. બન્ને ટીમે પોતાની બાકીની ત્રણેય મૅચ જીતીને અન્ય ટીમની મૅચનાં રિઝલ્ટ પર નજર રાખવી પડશે. તેમની એક હાર પણ તેમને ક્વૉલિફિકેશનના સમીકરણથી દૂર ફેંકી શકે છે. 

વિમેન્સ પ્રીમિયર લીગ 2026નું પૉઇન્ટ-ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રનરેટ

પૉઇન્ટ

બૅન્ગલોર

+૧.૮૮૨

૧૦

મુંબઈ

+૦.૦૪૬

યુપી

-૦.૪૮૩

દિલ્હી

-૦.૫૮૬

ગુજરાત

-૦.૮૬૪

WPLમાં ૧૦૦૦ રન ફટકારનારી યંગેસ્ટ બૅટર બની શફાલી વર્મા : હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીને લીગ સ્ટેજમાં પહેલી વાર મળી ૪ હાર

બરોડાના કોટંબી સ્ટેડિયમમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સે ૭ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સને માત આપી હતી. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ પહેલી વખત હૅટ-ટ્રિક હાર અને લીગ સ્ટેજમાં ૪ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ નેટ સિવર-બ્રન્ટના ૬૫ રન અને હરમનપ્રીત કૌરના ૪૧ રનની મદદથી ૧૫૪-૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં દિલ્હીએ કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સની ૫૧ રનની ઇનિંગ્સના આધારે ૧૯ ઓવરમાં ૩ વિકેટે ૧૫૫ રન કરીને જીત નોંધાવી હતી.

દિલ્હીની ઓપનર શફાલી વર્માએ ૨૯ રનની ઇનિંગ્સ રમીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. નેટ સિવર-બ્રન્ટ (૧૨૪૬ રન), મેગ લૅનિંગ (૧૧૪૫ રન) અને હરમનપ્રીત કૌર (૧૦૯૧ રન) બાદ તે આ કમાલ કરનાર ચોથી બૅટર બની છે. ૨૧ વર્ષની ઉંમરે શફાલી વર્મા ૧૦૦૦ રન કરનાર યંગેસ્ટ બૅટર બની છે. તેણે અગાઉની ત્રણેય પ્લેયર કરતાં સૌથી સારા ૧૫૫.૭૪ના સ્ટ્રાઇક રેટથી ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. 

અમ્પાયરિંગનો અનુભવ ધરાવતી ક્રિકેટર લિઝેલ લીને અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ થયો દંડ

સાઉથ આફ્રિકાની ભૂતપૂર્વ અને દિલ્હી કૅપિટલ્સની વર્તમાન વિકેટકીપર-બૅટર લિઝેલ લી મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે ૨૮ બૉલમાં ૪૬ રન કરીને આઉટ થઈ હતી. ફિફ્ટીથી ૪ રન દૂર હતી ત્યારે સ્ટમ્પિંગને કારણે તેને આઉટ જાહેર કરવામાં આવી હતી. અન્ડર-19 લેવલ પર અમ્પાયરિંગનો અનુભવ ધરાવતી ૩૩ વર્ષની આ બૅટર થર્ડ-અમ્પાયરના નિર્ણયથી નાખુશ જોવા મળી. 
સ્ટમ્પિંગ સમયે લિઝેલ લીનું બૅટ ક્રીઝની ઉપર હવામાં જોવા મળ્યું હતું. એના કારણે તેને આઉટ જાહેર કરવામાં આવી ત્યારે તેણે અમ્પાયર સામે રોષ ઠાલવ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આચારસંહિતાના ભંગ બદલ તેની મૅચફીના ૧૦ ટકા દંડ ફટકારીને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. 

વૈષ્ણવી શર્માનું WPL ડેબ્યુ બન્યું સ્પેશ્યલ

મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની સ્પિનર વૈષ્ણવી શર્માએ દિલ્હી કૅપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ માટે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ડેબ્યુ કર્યું હતું. વૈષ્ણવી શર્માએ ૪ ઓવરમાં ૨૦ રન આપીને એક વિકેટ ઝડપી હતી. વૈષ્ણવી શર્માએ પોતાની પહેલી જ ઓવરમાં ધુરંધર બૅટર શફાલી વર્માને બોલ્ડ કરીને મૅચમાં મુંબઈને પહેલી વિકેટ અપાવી હતી. તેની ડેબ્યુ મૅચ સમયે તેનાં મમ્મી-પપ્પા VIP સ્ટૅન્ડ્સમાં હાજર રહ્યાં હતાં. બે મહિનાની અંદર પોતાની દીકરીને ઇન્ટરનૅશનલ બાદ WPL ડેબ્યુ કરતાં જોવાની ખુશી વૈષ્ણવીનાં મમ્મી-પપ્પાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી.

WPLમાં ડેબ્યુ કરનાર યંગેસ્ટ પ્લેયર બની હરિયાણાની દિયા યાદવ

મંગવારે દિલ્હી કૅપિટલ્સ તરફથી હરિયાણાની બૅટર દિયા યાદવે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ડેબ્યુ કર્યું હતું. તેણે ૧૬ વર્ષ ૧૦૩ દિવસની ઉંમરે પોતાની પહેલી WPL મૅચ રમીને આ ટુર્નામેન્ટમાં યંગેસ્ટ પ્લેયર બનવાની સિદ્ધિ મેળવી છે. મુંબઈ સામેની પહેલી મૅચમાં જમણા હાથની આ બૅટરને બૅટિંગ કરવાની તક મળી નહોતી. ૨૦૨૫માં બરોડામાં જ જી. કમલિનીએ ૧૬ વર્ષ ૨૧૩ દિવસની ઉંમરે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યુ કરીને આ સિદ્ધિ મેળવી હતી.

womens premier league cricket news sports sports news royal challengers bangalore mumbai indians up warriorz delhi capitals gujarat giants