મુંબઈ કે દિલ્હી? WPL 2026ની એલિમિનેટરમાં રમનારી બીજી ટીમનો નિર્ણય આજે થઈ જશે

01 February, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુપી વૉરિયર્ઝ પાસે પણ બાકી છે એક અશક્ય સંભાવના

યુપી વૉરિયર્ઝની કૅપ્ટન મેગ લૅનિંગ અને દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સ

બરોડાના કોટંબી સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની આજે વીસમી અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમાશે. દિલ્હી કૅપિટલ્સ અને યુપી વૉરિયર્ઝની આજની ટક્કરથી પ્લેઑફની બીજી ટીમ નક્કી થશે. દિલ્હીની ટીમ પહેલી ત્રણેય સીઝનમાં મેગ લૅનિંગની કૅપ્ટન્સી હેઠળ ફાઇનલમાં પહોંચનાર પહેલી ટીમ બની અંતે રનર-અપ ટીમ રહી હતી. આજે મેગ લૅનિંગ યુપી વૉરિયર્ઝની કૅપ્ટનરૂપે પોતાની જૂની ટીમ સામે પડકાર બનતી જોવા મળશે.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ૧૨ પૉઇન્ટ સાથે ફાઇનલિસ્ટ અને ગુજરાત જાયન્ટ્સ ૧૦ પૉઇન્ટ સાથે એલિમિનેટરની પહેલી ટીમ બની છે. પૉઇન્ટ-ટેબલમાં મુંબઈ ઇન્ડિયન્સ ૬ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે, દિલ્હી ૬ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને યુપી ૪ પૉઇન્ટ સાથે અંતિમ ક્રમે છે. જો આજે દિલ્હી જીતશે તો એ એલિમિનેટરમાં પહોંચશે. જો દિલ્હી આજે યુપી સામે હારશે તો દિલ્હી (-૦.૧૬૪) કરતાં સારા નેટ રનરેટને કારણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ (+૦.૦૫૯) આપોઆપ એ​િલમિનેટરમાં પહોંચશે.

ટ્રોફી જીતવાની રેસમાંથી પહેલાંથી જ બહાર થયેલી યુપી વૉરિયર્ઝની ટીમ પાસે હજી પણ એક અશક્ય સંભાવના બાકી છે. જો યુપી વૉરિયર્ઝ આજે ૧૫૬ રનના વિશાળ માર્જિનથી જીતે તો ૬ પૉઇન્ટ સાથે એનો -૧.૧૪૬નો નેટ રનરેટ દિલ્હી અને મુંબઈ કરતાં સારો થશે અને એ એલિમિનેટર મૅચમાં પહોંચી શકશે. 

WPLમાં એક ટીમ સામે ૫૦૦ રન ફટકારનાર પહેલવહેલી પ્લેયર બની હરમનપ્રીત કૌર

મુંબઈ ઇન્ડિયન્સની બે વખતની ચૅમ્પિયન કૅપ્ટન હરમનપ્રીત કૌરે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ઇતિહાસ રચ્યો છે. તે WPLની એક ટીમ સામે ૫૦૦ રન ફટકારનાર પહેલી બૅટર બની છે. તેણે ગુજરાત જાયન્ટ્સ સામે ૯ મૅચમાં ૬ ફિફ્ટીની મદદથી ૫૦૪ રન કર્યા છે. શુક્રવારે હરમપ્રીત કૌરની ૮૨ રનની ધમાકેદાર ઇનિંગ્સ છતાં મુંબઈને ગુજરાત સામે રેકૉર્ડ ૮ જીત બાદ પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. હરમનપ્રીત કૌર હમણાં સુધી આ ટુર્નામેન્ટમાં ૧૧ ફિફ્ટી ફટકારી ચૂકી છે. તેની ફિફ્ટી બાદ પહેલી વખત મુંબઈને હારનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન સીઝનમાં સૌથી વધુ ૩૪૨ રન સાથે હરમન હાલમાં ઑરેન્જ કૅપ હોલ્ડર બની છે.

womens premier league up warriorz delhi capitals cricket news sports sports news gujarat giants royal challengers bangalore mumbai indians