09 January, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન શરુ થાય એ પહેલા ટ્રોફી સાથે ટીમની કૅપ્ટન્સ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન આજે ૯ જાન્યુઆરીથી પાંચમી ફેબ્રુઆરી સુધી રમાશે. પાંચ ટીમો વચ્ચે ૧ ફેબ્રુઆરી સુધી લીગ-સ્ટેજની ૨૦ મૅચ રમાશે. ટોચની ટીમ ડાયરેક્ટ ફાઇનલમાં એન્ટ્રી કરશે, જ્યારે ૩ ફેબ્રુઆરીએ બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે એલિમિનેટર મૅચથી પાંચમી ફેબ્રુઆરીની ફાઇનલ જંગની બીજી ટીમ નક્કી થશે. ટુર્નામેન્ટની પ્રારંભિક ૧૧ મૅચ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે જ્યારે ફાઇનલ સહિતની બાકીની ૧૧ મૅચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. તમામ મૅચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.
હરમનપ્રીત કૌરની મુંબઈ ઇન્ડિયન્સ ૨૦૨૩ અને ૨૦૨૫નું ટાઇટલ જીતી હોવાથી તેમની નજર ત્રીજી વખત ટ્રોફી ઉપાડવા પર હશે. સ્મૃતિ માન્ધનાની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ૨૦૨૪માં ચૅમ્પિયન બની હતી. નવી મુંબઈમાં આજે બે ચૅમ્પિયન ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટક્કરથી ટુર્નામેન્ટની નવી સીઝનનો પ્રારંભ થશે. ભારતમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપને મળેલા શાનદાર પ્રતિસાદ બાદ WPL 2026 તમામ મોરચે રેકૉર્ડબ્રેક ટુર્નામેન્ટ બની શકે છે.
પ્રથમ ત્રણેય સીઝન ફેબ્રુઆરી-માર્ચમાં રમાઈ હતી, પણ હવે ક્રિકેટ બોર્ડે જાન્યુઆરી-ફેબ્રુઆરીનો સમયગાળો ફિક્સ કર્યો છે જેથી અન્ય કોઈ ટુર્નામેન્ટ સાથે શેડ્યુલની સમસ્યા ન સર્જાય. પ્રારંભિક સીઝન બાદ હવે ચોથી સીઝનમાં ડબલ હેડર મુકાબલાની વાપસી થઈ છે. ૧૦ અને ૧૭ જાન્યુઆરીએ ડબલ હેડર મૅચ રમાશે જેમાં બપોરની મૅચ ૩.૩૦ વાગ્યાથી રમાશે. બાકીની તમામ મૅચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોસ્ટાર ઍપ પર ફૅન્સ મૅચનો આનંદ માણી શકશે.
મેગા ઑક્શન બાદ તમામ ટીમનાં રંગ-રૂપ બદલાઈ ચૂક્યાં છે. ત્રણ-ત્રણ ટીમના કૅપ્ટન અને કોચ પણ બદલાયા છે. નવા કૅપ્ટન તરીકે ત્રણ વખતની રનરઅપ ટીમ દિલ્હી કૅપિટલ્સે જેમિમા રૉડ્રિગ્સ, યુપી વૉરિયર્સે મેગ લૅનિંગ અને ગુજરાત જાયન્ટ્સે ઍશ્લી ગાર્ડનર પર વિશ્વાસ મૂક્યો છે. મુંબઈમાં લીસા કીટલી, બૅન્ગલોરમાં માલોલન રંગરાજન અને યુપીમાં અભિષેક નાયર નવા હેડ કોચ તરીકે સામેલ થયા છે.
વિમેન્સ પ્રીમિયર લીગના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી શૅર કરવામાં આવેલી માહિતી અનુસાર ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આજની પહેલી મૅચની શરૂઆત પહેલાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાશે. બૉલીવુડ સ્ટાર યો યો હની સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ અને હરનાઝ કૌર સંધુનો પર્ફોર્મન્સ જોવા મળશે. સાંજે ૬.૪૫ વાગ્યાથી ઓપનિંગ સેરેમની શરૂ થશે.