મૅચમાં અચાનક ઢળી પડેલા ડેન્માર્કના ફુટબૉલરની હાલત સ્થિર

14 June, 2021 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એરિકસને હૉસ્પિટલમાંથી સાથી ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, ફિનલૅન્ડનો ૧-૦થી વિજય

ક્રિસ્ટિયાન એરિકસનને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો

શનિવારે કોપનહેગનમાં રમાયેલી યુરો કપની રોમાંચક મૅચમાં જોએલ પૉયાનપૅલોએ ૫૯મી મિનિટે કરેલા ગોલને કારણે ફિનલૅન્ડે પહેલી વખત ૧-૦થી ડેન્માર્કને હરાવ્યું હતું. જોકે યુરોપિયન ચૅમ્પિયનશિપની આ મૅચ અન્ય કારણથી જ યાદ રાખવામાં આવશે. મૅચમાં બનેલા એક બનાવે સમગ્ર દુનિયામાં ફુટબૉલના ચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે મૅચની ૪૨મી મિનિટે ડેન્માર્કનો મિડફીલ્ડર ક્રિસ્ટિયાન એરિકસન મેદાનમાં જ ઢળી પડ્યો હતો. આ ઘટના બની ત્યારે તેની આસપાસ બીજો કોઈ ખેલાડી પણ નહોતો. મૅચ રેફરીએ તરત રમતને રોકીને મેડિકલ ટીમને બોલવી હતી. મેડિકલ ઇમર્જન્સીને કારણે મૅચને સસ્પેન્ડ કરવામાં આવી હતી, જે બાદમાં રમાઈ હતી. પહેલી વખત મોટી મૅચમાં રમી રહેલી ફિનલૅન્ડની ટીમે એક ગોલ કરીને મૅચ જીતી લીધી હતી. 

મેદાન પર સારવાર દરમ્યાન ખેલાડીને ઘેરી વળેલા ડેનમાર્કની ટીમના ખેલાડીઓ.

દુનિયાભરમાંથી હાલ એરિકસન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેની હાલત સ્થિર છે, પરંતુ સારવાર માટે તેને હૉસ્પિટલમાં જ રાખવામાં આવશે. સવારે જ અમે ક્રિસ્ટિયાન સાથે વાત કરી હતી. તેણે ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી છે. 

સોશ્યલ મીડિયામાં ડેન્માર્કના કૅપ્ટન સિમોન કાયની પ્રશંસા કરવામાં આવી રહી છે. એરિકસન ઢળી પડતાં તરત જ તે ત્યાં પહોંચી ગયો હતો. કાયે એરિકસન પોતાની જીભને ગળે નહીં એનું ધ્યાન રાખ્યું તેમ જ એરિકસનને વ્યવસ્થિત રીતે સુવડાવી તેને સીપીઆર આપ્યું હતું. સમગ્ર ઘટના બાદ શોરબકોર કરનારા દર્શકો પણ એરિકસન પડી જતાં શાંત થઈ ગયા હતા. મૅચ જોવા આવે‍લી તેની પત્ની સબરીના પણ મેદાનમાં પહોંચી ગઈ હતી. એરિકસનને સ્ટ્રેચર પર જ મેદાનની બહાર લઈ જવાયો હતો. 

denmark football finland sports news sports