01 July, 2026 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેનલ્ટી શૂટઆઉટમાં જર્મનીને હરાવ્યા બાદ શાનદાર ઉજવણી કરતા પૅરાગ્વેના ફુટબૉલર્સ
ફુટબૉલ વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઑફ 32માં ગઈ કાલે મોટો અપસેટ સર્જાયો હતો. ૪ વખતની ચૅમ્પિયન અને દસમા ક્રમાંકની ટીમ જર્મની સામે ૧-૧ની ડ્રૉ મૅચ બાદ ૪૧મો રૅન્ક ધરાવતા પૅરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી જીત મેળવી હતી.
પૅરાગ્વેના ૪૨મી મિનિટના ગોલ સામે જર્મનીએ ૫૪મી મિનિટે ગોલ કરીને મૅચ લેવલ કરી હતી. સ્ટૉપેજ ટાઇમ દરમ્યાનનો જર્મનીનો એક ગોલ ફાઉલને કારણે રદ થયો હતો. આ ઐતિહાસિક જીત બાદ પૅરાગ્વેમાં રાષ્ટ્રપતિએ મંગળવારના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરી દીધી હતી.
નવમી વખત વર્લ્ડ કપ રમનાર પૅરાગ્વે ૧૯૮૬, ૧૯૯૮ અને ૨૦૦૨ બાદ ચોથી વખત રાઉન્ડ ઑફ 16માં રમશે. જર્મની છેલ્લે ૨૦૧૪માં ચૅમ્પિયન બન્યું હતું. જર્મની માત્ર ૧૯૩૮, ૨૦૧૮ અને ૨૦૨૨માં ગ્રુપ-સ્ટેજ રમીને આઉટ થયું છે.
રાઉન્ડ ઑફ 32 મૅચમાં મોરોક્કોએ ૧-૧ના ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલૅન્ડ્સ સામે ૩-૨ના સ્કોરથી જીત નોંધાવી હતી. મોરોક્કો હવે રાઉન્ડ ઑફ 16માં સહ-યજમાન કૅનેડાનો સામનો કરશે.
૭ વખત વર્લ્ડ કપ રમનાર મોરોક્કો ૧૯૮૬ અને ૨૦૨૨ બાદ ત્રણ વખત રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું છે. ૧૨ વખત વર્લ્ડ કપ રમનાર નેધરલૅન્ડ્સ અગાઉ ૮ વખત રાઉન્ડ ઑફ 16 સુધી પહોંચ્યું હતું.
પાંચ વખતનું ચૅમ્પિયન બ્રાઝિલ રાઉન્ડ ઑફ 32માં જપાન સામે ૨-૧થી જીત્યું હતું. જપાનના ૨૯મી મિનિટના ગોલ બાદ બ્રાઝિલે ૫૬મી મિનિટના ગોલ સાથે મૅચ લેવલ કરી. સ્ટૉપેજ ટાઇમ દરમ્યાન ૯૬મી મિનિટે વિનિંગ ગોલની મદદથી ૨૩મી વખત વર્લ્ડ કપ રમનાર બ્રાઝિલ વીસમી વખત રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું હતું.
આઠમી વખત વર્લ્ડ કપ રમનાર જપાનની ટીમ ક્યારેય નૉકઆઉટ સ્ટેજનો પહેલો રાઉન્ડ જીતી શકી નથી. અગાઉ ૨૦૦૨માં ટર્કી સામે ૦-૧, ૨૦૧૦માં પૅરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં, ૨૦૧૮માં બેલ્જિયમ સામે ૨-૩ અને ૨૦૨૨માં ક્રોએશિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં જપાન નૉકઆઉટ સ્ટેજનો પહેલો રાઉન્ડ હાર્યું હતું.