15 December, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીઅનલ મેસીની મુંબઈની ઇવેન્ટ ઐતિહાસિક બની હતી (તસવીરોઃ આશિષ રાજે)
GOAT ઇન્ડિયા ટૂર 2025માં આર્જેન્ટિનાના ગ્લોબલ ફુટબૉલસ્ટાર લીઅનલ મેસીની મુંબઈની ઇવેન્ટ ઐતિહાસિક બની હતી. ઑલમોસ્ટ હાઉસફુલ વાનખેડે સ્ટેડિયમમાં મહાન મેસીએ ભારતના ક્રિકેટ અને ફુટબૉલના GOAT એટલે કે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ પ્લેયર્સ સચિન તેન્ડુલકર અને સુનીલ છેત્રી સાથે યાદગાર મુલાકાત કરી હતી. ત્રણેય સ્ટાર પ્લેયર્સની એક વેન્યુ પર હાજરીથી ભારતીય રમતગમતના ઇતિહાસમાં વધુ એક ગૌરવશાળી પ્રકરણ ઉમેરાયું હતું જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.
મેસી અને તેની ટીમ હૈદરાબાદથી બપોરે મુંબઈ પહોંચ્યાં હતાં. તેઓ વાનખેડે ખાતે સાંજની ઇવેન્ટ માટે પહોંચે એ પહેલાં પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (બ્રેબર્ન સ્ટેડિયમ) ખાતે પેડલ ઇવેન્ટમાં પણ હાજર રહ્યાં હતાં.
વાનખેડે સ્ટેડિયમમાં મેસી અને તેના સાથી ફુટબૉલસ્ટાર રૉડ્રિગો ડી પૉલ અને લુઇસ સુઆરેઝે એક કલાક વિતાવ્યો હતો. એક પ્રદર્શન-મૅચમાં ભાગ લેવાની સાથે સ્ટાર ફુટબૉલર્સે યુવા ફુટબૉલરો સાથે રોમાંચક રમતો રમી હતી. સ્ટૅન્ડમાં હાજર હજારો ફૅન્સ તરફ ઑલમોસ્ટ ૧૦ જેટલા ફુટબૉલ ફેંકી અને હાથ હલાવીને સૌનું અભિવાદન પણ સ્ટાર ફુટબૉલર્સે કર્યું હતું. સુનીલ છેત્રી સાથે આવેલા અન્ય ભારતીય ફુટબૉલર્સ સાથે પણ અલગથી ફોટોશૂટ થયું હતું.
ઇવેન્ટના અંતિમ તબક્કામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘પ્રોજેક્ટ મહાદેવ’ના લૉન્ચની પણ જાહેરાત કરી જેનો ઉદ્દેશ્ય રાજ્યભરના યુવા ફુટબૉલરોને ઓળખવા અને વિકસાવવાનો છે. આ જાહેરાત દરમ્યાન સ્ટેજ પર પ્રોજેક્ટના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર ટાઇગર શ્રોફ અને ‘મૈદાન’ ફિલ્મથી ભારતીય ફુટબૉલની કહાનીને લોકો સુધી પહોંચાડનાર અજય દેવગને પણ હાજરી આપી હતી.
સ્ટેજ પર વધારાના VVIPઓની હાજરીથી અકડાયા ફૅન્સ
મુંબઈની આ ધમાકેદાર ઇવેન્ટમાં મેસીને જોવા આવેલા ફૅન્સ સ્ટેજ પર કેટલાક વધારાના VVIPઓની હાજરીથી અકડાયા હતા. મેસી સાથે સેલ્ફી લેતી વખતે અમૃતા ફડણવીસ, ટાઇગર શ્રોફ અને અજય દેવગન સ્મૃતિભેટ સ્વીકારતા સમયે અને દેવેન્દ્ર ફડણવીસે સ્પીચની શરૂઆતમાં ફૅન્સના રોષનો સામનો કરવો પડ્યો હતો. દર્શકોએ તેમના માટે તાળીઓ પાડવાને બદલે બૂમો પાડીને ગુસ્સો પ્રગટ કર્યો હતો.