28 February, 2025 11:45 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
૧૩ વર્ષના ગુજરાતી છોકરા વિશ્વમ નવધરેએ બ્રૉન્ઝ મેડલ જીત્યો છે
૧૪ ફેબ્રુઆરીએ નાશિકમાં ૨૧મી નૅશનલ જમ્પ રોપ ચૅમ્પિયનશિપ ૨૦૨૫નું આયોજન થયું હતું. આ કૉમ્પિટિશનમાં ૧૩ વર્ષના ગુજરાતી છોકરા વિશ્વમ નવધરેએ બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. વિશ્વમની સાથે કુલ ૧૦ બાળકોની ટીમ હતી. આ ટીમના સહિયારા પ્રયાસથી તેમને બ્રૉન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી હતી.
જમ્પ રોપ કૉમ્પિટિશન વિશે વાત કરતાં વિશ્વમનાં મમ્મી દીપાએ કહ્યું કે ‘બાળકોએ અન્ડર-૧૮ની કૅટેગરીમાં ભાગ લીધો હતો. આ જમ્પ રોપ લૉન્ગ રોપ સ્પીડ (LRS) કૉમ્પિટિશન હતી એટલે આમાં ટીમને એક મિનિટનો સમય આપવામાં આવે, આ સમયગાળામાં એક પછી એક બાળક આગળ વધીને રોપ પરથી જમ્પ મારે અને સમય પૂરો ન થાય ત્યાં સુધી તેમણે જમ્પ મારવાના હોય. ૧૦ જણ મળીને જેટલા જમ્પ મારે એટલો સ્કોર આપવામાં આવે. વિશ્વમ જે ટીમમાં હતો એણે ૬૬નો સ્કોર મેળવ્યો હતો.’
વિશ્વમ વિશે વાત કરતાં દીપાએ કહ્યું કે ‘સ્ટેટ લેવલની કૉમ્પિટિશન થઈ એના એક મહિના પહેલાં જ વિશ્વમે જમ્પ રોપ શીખવાનું શરૂ કર્યું હતું. જોકે તે સ્પોર્ટ્સમાં પહેલેથી જ સારો છે. વિશ્વમ ઘાટકોપરમાં ઋષિકુળ વિદ્યાલયમાં આઠમા ધોરણમાં ભણે છે. અહીં બાળકોને દરરોજ સૌથી પહેલાં અડધો કલાક બાસ્કેટ બૉલ, ફુટબૉલ વગેરે રમવાનું જ હોય છે. ઉપરાંત અમારી સોસાયટીમાં પણ સ્પોર્ટ્સની ફૅસિલિટી છે. વિશ્વમને એમાં રસ પણ છે એટલે તેણે જમ્પ રોપમાં પણ ખૂબ ઓછા સમયમાં સારું પ્રદર્શન કરીને દેખાડ્યું હતું.’