15 September, 2025 08:54 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ટોચની વૈશ્વિક ઇવેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે ભારતને હવે વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાંથી પસાર થવું પડશે
ભારતીય વિમેન્સ હૉકી ટીમ ગઈ કાલે એશિયા કપ ફાઇનલમાં યજમાન ચીન સામે ૧-૪થી હારી ગઈ અને આગામી વર્ષના વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થવાથી ચૂકી ગઈ. ભારતની નવનીત કૌરે પહેલી જ મિનિટમાં પેનલ્ટી કૉર્નરને કન્વર્ટ કરીને પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર બાદ ચીને ચાર ગોલ કરીને મૅચની દિશા બદલી દીધી હતી. ટોચની વૈશ્વિક ઇવેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે ભારતને હવે વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાંથી પસાર થવું પડશે.
ચીન (વર્ષ ૧૯૮૯, ૨૦૦૯ અને ૨૦૨૫) હવે સાઉથ કોરિયા (વર્ષ ૧૯૮૫, ૧૯૯૩, ૧૯૯૯) અને જપાન (વર્ષ ૨૦૦૭, ૨૦૧૩, ૨૦૨૨)ની જેમ ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ચૅમ્પિયન ટીમ બની છે. ભારતીય ટીમ ૧૯૯૯ અને ૨૦૦૯ બાદ ત્રીજી વખત રનર-અપ ટીમ બની છે. ભારતે ૨૦૦૪ અને ૨૦૧૭ની આ ટુર્નામેન્ટ જીતી હતી. સાઉથ કોરિયા સામે ૨-૧થી જીતીને જપાનની ટીમ ત્રીજા ક્રમની ટીમ બની છે.