24 October, 2026 11:30 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
પૅરા એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
જપાનમાં આયોજિત પૅરા એશિયન ગેમ્સ 2026માં ભારતીય દળે હમણાં સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. પાંચ દિવસની અંદર ૧૬૮ ખેલાડીઓની ટીમે ૩૦ ગોલ્ડ, ૩૫ સિલ્વર, ૪૯ બ્રૉન્ઝ સહિત ૧૧૪ મેડલ સાથે ચોથો ક્રમ મેળવ્યો. પહેલી વખત ભારત મેડલ-ટૅલીમાં ટૉપ ફાઇવમાં રહ્યું છે. છેલ્લી સીઝનમાં ભારતે ૨૮૦ ખેલાડીઓ સાથે ૨૭ ગોલ્ડ, ૩૨ સિલ્વર, ૪૯ બ્રૉન્ઝ સહિત ૧૦૮ મેડલ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.
આ સીઝનમાં ભારતે પોતાના સૌથી વધુ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને બ્રૉન્ઝ જીતવામાં છેલ્લી સીઝનની બરાબરી કરી. ભારત હાલમાં ટેબલ પર ચોથા સ્થાને છે, પરંતુ આ સ્થાન બદલાઈ શકે છે; કારણ કે આજે કેટલીક સ્પર્ધાઓની ફાઇનલ યોજાવાની છે અને એમાંથી કોઈ પણ સ્પર્ધામાં ભારતની ભાગીદારી નથી.
દરેક સીઝનની જેમ સૌથી વધુ ૬૫ મેડલ ઍથ્લેટિક્સથી મળ્યા; જેમાં બાવીસ ગોલ્ડ, ૧૯ સિલ્વર, ૨૪ બ્રૉન્ઝનો સમાવેશ થાય છે. છેલ્લી સીઝનમાં ભારતે ૧૬ ગોલ્ડ સહિત ૫૩ મેડલ ઍથ્લેટિક્સમાં જીત્યા હતા.
આ વખતે ભારતે બૅડ્મિન્ટનમાં ૩ ગોલ્ડ સહિત ૧૬ મેડલ, આર્ચરીમાં ૩ ગોલ્ડ સહિત ૬ મેડલ, શૂટિંગમાં બે ગોલ્ડ સહિત પાંચ મેડલ, સ્વિમિંગમાં ૧૧ મેડલ, ટેબલટેનિસમાં ૭ મેડલ, પાવરલિફ્ટિંગ અને જુડોમાં ૨-૨ મેડલ જીત્યા છે.
આ વખતે ચાર ખેલાડીઓએ મેડલની હૅટ-ટ્રિક કરી છે, જ્યારે ૨૨ ખેલાડીઓએ ૨-૨ મેડલ જીત્યા છે. તામિલનાડુની તુલસીમતી મુરુગેસને બૅડ્મિન્ટનમાં ગઈ કાલે એકસાથે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા.