28 June, 2026 03:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય હૉકી ટીમ
મેન્સ હૉકી પ્રો લીગના લંડન તબક્કામાં ૪ દિવસની અંદર ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમી હાર આપી છે. મંગળવારે ભારતે ૪-૩થી અને શુક્રવારે મોડી રાતે ૭-૧થી શાનદાર અંદાજમાં પાકિસ્તાન સામે જીત નોંધાવી હતી. એપ્રિલ ૨૦૧૬થી પાકિસ્તાન સામે અજેય રહેવાનો રેકૉર્ડ ભારતે જાળવી રાખ્યો છે. શુક્રવારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબુ ૧૩મી મિનિટે એક માત્ર ગોલ કરી શક્યો હતો. ત્યાર બાદ ભારતે શાનદાર ૭ ગોલ કરીને પાકિસ્તાની પ્લેયર્સના હાલબેહાલ કર્યા હતા. સુખજિત સિંહ (૨૦ મિનિટ), કૅપ્ટન હરમનપ્રીત સિંહ (૨૬ મિનિટ), હાર્દિક સિંહ (૩૪ મિનિટ), જુગરાજ સિંહ (૩૫ મિનિટ), અભિષેક નૈન (૪૧ મિનિટ), રાજ કુમાર પાલ (૪૪ મિનિટ) અને દિલપ્રીત સિંહ (૫૪ મિનિટ) દ્વારા ૭ ગોલ નોંધાયા હતા. હાર્દિક સિંહને મિડફીલ્ડમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં આયોજિત AVC વૉલીબૉલ કપમાં ભારતને પોતાની પહેલવહેલી સેમી-ફાઇનલમાં હાર મળી હતી. આજે સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે ફાઇનલ મૅચ રમાશે, જ્યારે ભારત બ્રૉન્ઝ મૅડલ માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાહરિન સામે રમશે. સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયાએ બાહરિન સામે ૩-૧થી જીત મેળવી હતી. ભારતને ઇન્ડોનેશિયા સામે ૨-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અજેય રહીને સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું.