પાંચ લાખની પ્રાઇસ-મનીનો કેમ અસ્વીકાર કર્યો કર્ણાટકના વર્લ્ડ કપ વિજેતા ખો ખો પ્લેયર્સે?

28 January, 2025 08:40 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કર્ણાટકનાં પુરુષ પ્લેયર એમ. કે. ગૌતમ અને મહિલા પ્લેયર બી. ચિત્રાએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સન્માન પર અસંતોષ વ્યક્ત કરી આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો છે.

૨૪ જાન્યુઆરીએ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ એમ. કે. ગૌતમ અને બી. ચિત્રાને સન્માનિત કર્યાં હતાં.

૧૯ જાન્યુઆરીએ દિલ્હીમાં નેપાલની બન્ને ટીમને હરાવીને ભારતની મેન્સ અને વિમેન્સ ટીમ પહેલા ખો ખો વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ કર્ણાટક સરકારે પોતાના રાજ્યના પ્લેયર્સ માટે પાંચ-પાંચ લાખ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી, પણ કર્ણાટકનાં પુરુષ પ્લેયર એમ. કે. ગૌતમ અને મહિલા પ્લેયર બી. ચિત્રાએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સન્માન પર અસંતોષ વ્યક્ત કરી આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો છે.

આ પુરસ્કાર નકારવાના નિર્ણયની જાહેરાત કરતાં ગૌતમે કહ્યું હતું કે ‘અમે પુરસ્કાર નકારીને મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનું અપમાન નથી કરી રહ્યા, પરંતુ અમને એ સન્માન મળ્યું નથી જેને અમે લાયક છીએ એથી અમે એને નકારી રહ્યા છીએ. મહારાષ્ટ્ર સરકારે તેમના વિજેતા પ્લેયર્સ માટે ૨.૨૫ કરોડ રૂપિયાનું રોકડ ઇનામ અને સરકારી નોકરીની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ બાબતની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઈએ અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એ કેવી રીતે કરવામાં આવ્યું છે એ જોવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ. મહારાષ્ટ્ર પછી જો કોઈ રાજ્ય હોય જ્યાં બે પ્લેયર્સ ખો ખો વર્લ્ડ કપ રમ્યા હોય તો એ કર્ણાટક છે.’

new delhi nepal karnataka world cup sports sports news