09 February, 2025 08:27 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રધાન કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ઓપીના ભિલારને ખભે બેસાડીને આવકારી હતી અને ગામમાં ફેરવી હતી.
ભારતીય મહિલા ટીમ તાજેતરમાં ખો ખોની રમતમાં વર્લ્ડ કપ વિજેતા બની એ ટીમની ખેલાડી અને ડાંગની દીકરી ઓપીના ભિલારને સન્માનવા માટે ગઈ કાલે ડાંગમાં આખું ગામ ઊમટ્યું હતું. ઓપીનાને સન્માનવા સિંગાળા ફાટકથી બીલીઆંબા શાળા સુધી સાત કિલોમીટર લાંબી સન્માન-રૅલી યોજાઈ હતી અને આ દીકરીને ખભે બેસાડી ફેરવીને બીલીઆંબા પ્રાથમિક શાળા તેમ જ ગ્રામપંચાયતે ભવ્ય રીતે આવકારીને અદકેરું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, ડાંગ સહિત દેશનું નામ રોશન કરનાર અંતરિયાળ અને છેવાડાના ગામની આ ખેલાડી પર ધનવર્ષા થઈ હતી.
ઓપીના ભિલારનું તેના માદરે વતનમાં તેની શાળા બીલીઆંબા પ્રાથમિક શાળા અને ગ્રુપ ગ્રામપંચાયત કેશબંધ દ્વારા શાળામાં સન્માન સમારોહ યોજાયો હતો. ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય પ્રધાન કુંવરજી હળપતિ, ડાંગના વિધાનસભ્ય વિજય પટેલ સહિત સ્થાનિક આગેવાનો તેમ જ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઓપીના ભિલારે આ પ્રસંગે કહ્યું હતું કે ‘તેણે ધોરણ ૧થી ૮ સુધીનો પ્રાથમિક અભ્યાસ બીલીઆંબા પ્રાથમિક શાળામાં પૂરો કર્યો હતો. ધોરણ ૮ પાસ કર્યા બાદ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ખો ખો રમતની ઘનિષ્ઠ તાલીમ લીધી હતી. કૉલેજમાં ઇન્જરીના કારણે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યા બાદ પણ મહેનત કરવાનું ચાલુ રાખ્યું હતું અને આજે ભારતની ટીમ ખો ખો વર્લ્ડ કપમાં વિજેતા બની છે. હું માતા-પિતા અને તમામ ગુરુજનો, કોચ અને સરકારનો આભાર માનું છું.’
ખો ખો વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડી ઓપીના ભિલારને પ્રધાન કુંવરજી હળપતિ, વિધાનસભ્ય વિજય પટેલ અને સાપુતારા પૅરાગ્લાઇડિંગ અસોસિએશન તમામે પચીસ-પચીસ હજાર રૂપિયા સાથે કુલ ૭૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું.