29 November, 2023 02:03 PM IST | Mumbai | Dharmik Parmar
બ્રોન્ઝ મેડલ સાથે મન ગુપ્તા
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર દરવર્ષે કૂડો માર્શલ આર્ટ રમત માટે ભવ્ય ટુર્નામેન્ટ (Kudo Tournament)નું આયોજન કરે છે. આ જ શ્રેણીમાં આ વર્ષે પણ 15મી આંતરરાષ્ટ્રીય અક્ષય કુમાર ટુર્નામેન્ટ (Kudo Tournament)નું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કરવામાં આવી હતી. ૨૬થી ૨૮ તારીખ સુધી યોજાયેલી આ ત્રણ દિવસની ટુર્નામેન્ટમાં જુદા-જુદા વાય જુથ માટે દેશના કુલ ૨૦ રાજયોમાંથી મોટા પ્રમાણમાં બાળકોએ ભાગ લીધો હતો. આશરે ૪૦૦૦ જેટલા બાળકો આ ટુર્નામેન્ટમાં સહભાગી થયા હતા.
આ વર્ષની ટુર્નામેન્ટ (Kudo Tournament)માં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર, દિશા પટ્ટણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બાળકોને માર્શલ આર્ટ પ્રત્યેની રુચિ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમ જ મોટિવેશનલ સ્પીચ આપીને બાળકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ સાથે જ સુરતના પોલીસ કમિશનર તેમ જ મુંબઈના માર્શલ આર્ટના જનરલ સેક્રેટરી મેહુલ વોરા સર પણ આવ્યા હતા.
આજે વાત કરવી છે એક એવા ટેણિયાની જેણે આ ટૂર્નામેન્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. વાત છે મન ગુપ્તાની. મન ગુપ્તાએ અન્ડર ૧૦માં બોય્ઝ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
મન ગુપ્તાની માતા રુચિતા બહેન ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “સ્ટીલ મૅન ઑફ ઈન્ડિયાના નામે ઓળખાતા વિસપી ખરાડી સરના નીચે મન ટ્રેઈન થઈ રહ્યો છે. માર્શલ આર્ટના દરેક ફોર્મની મન ટ્રેનિંગ લઈ રહ્યો છે. મન છેલ્લા બે વર્ષથી કૂડો રમે છે. અને તે ગ્રીન બેલ્ટ પણ છે. મન ગુપ્તાએ તો આ પહેલા પણ ઓપન નેશનલમાં પણ ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે.”
માર્શલ આર્ટમાં ફિઝિકલ ફિટનેસનું શું ધ્યાન રાખે છે મન?
રુચિતા ગુપ્તા જણાવે છે કે, “માર્શલ આર્ટમાં તો ફિઝિકલ ફિટનેસનું ખૂબ મહત્વ છે. મન પણ હંમેશા હેલ્ધી ફૂડ ખાવા જેવી દરેક બાબતોનું ધ્યાન રાખે છે. ક્યારેક મનને અમે ચાખવા દઈએ છીએ પણ મન જ ના પાડે એ રીતે એની માનસિક વૃત્તિ થઈ છે.”
અક્ષય કુમારે બાળકોને શું પ્રેરણા આપી?
15મી આંતરરાષ્ટ્રીય અક્ષય કુમાર ટુર્નામેન્ટ (Kudo Tournament)માં પહોંચેલા અક્ષય કુમારે બાળકો માટે મોટિવેશનલ સ્પીચ આપી હતી. ખાસ તેઓએ ‘બિલિવ ઇન યોર સેલ્ફ’ પર બહાર મૂક્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો આપણે પોતાના પર વિશ્વાસ કરશું તો જ આગળ વધી શકીશું. અને એ હિસાબે જ તમારે ડિસિપ્લિન પણ ફોલો કરવી જોઈએ.”
મન પોતે ફિઝિકલ ફિટનેસના મામલે એટલો જાગૃત છે કે તેના માતા-પિતાને પણ આ બાબતે રસ જાગ્યો છે. મનના માતા-પિતા પણ નિયમિત જિમમાં જાય છે. મનના માતા-પિતા પણ વિસપી ખરાડી સરના હેઠળ જ શીખે છે.