19 February, 2025 09:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર અને જસપાલ રાણા
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચનાર શૂટર મનુ ભાકર ગઈ કાલે ૨૩ વર્ષની થઈ હતી. તેણે એક અવૉર્ડ સમારોહમાં સ્પષ્ટ કર્યું હતું કે ‘જસપાલ રાણા મારા કોચ છે અને તેમના કામમાં ખૂબ જ પર્ફેક્ટ છે. તે કોઈ બીજાના કોચ હોઈ શકે છે, પણ મારા માટે તે મારા કોચ રહેશે. અમે એપ્રિલમાં વર્લ્ડ કપમાં જઈશું અને જૂનમાં સ્થાનિક સ્પર્ધાઓ છે. ત્યાર બાદ મ્યુનિકમાં ફરી વર્લ્ડ કપ (જૂન) અને ઑક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ છે. મારું લક્ષ્ય વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતવાનું છે.’
મનુ ભાકરના કોચ અને અનુભવી શૂટર જસપાલ રાણાને પચીસ મીટર પિસ્ટલના હાઈ પર્ફોર્મન્સ કોચ તરીકે નૅશનલ રાઇફલ અસોસિએશન ઑફ ઇન્ડિયા (NRAI)માં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રના શૂટર સ્વપ્નિલ કુસાળેનાં કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા દીપાલી દેશપાંડે રાઇફલના હેડ કોચ તરીકે નિયુક્ત થયાં છે. આ બન્નેને રિયો ઑલિમ્પિક્સ ૨૦૧૬ બાદ NRAIમાંથી બહાર કરવામાં આવ્યાં હતાં. એ સમયે એક પણ ભારતીય શૂટર મૅડલની નજીક પહોંચી શક્યો નહોતો.