16 May, 2025 12:35 PM IST | Doha | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા અને અર્શદ નદીમ
બે વખતના ઑલિમ્પિક્સ મેડલ વિજેતા અને વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાને દોહા ડાયમન્ડ લીગની પૂર્વસંધ્યાએ પાકિસ્તાનના જૅવલિન થ્રોઅર અર્શદ નદીમ સાથેની તેમની મિત્રતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘સૌપ્રથમ હું સ્પષ્ટ કરવા માગું છું કે મારો નદીમ સાથે કોઈ મજબૂત સંબંધ નથી. અમે ક્યારેય ગાઢ મિત્રો નહોતા, પરંતુ તાજેતરના ભારત-પાકિસ્તાન સરહદ પરના તનાવને કારણે અમારા બન્ને વચ્ચેની વાતચીત પહેલાં જેવી નહીં થાય, પણ જો કોઈ મારી સાથે આદરથી વાત કરે તો હું પણ તેની સાથે આદરથી વાત કરું છું.’
દોહામાં આયોજિત લીગમાં જૅવલિન થ્રોની ઇવેન્ટ આજે રાતે ૧૦.૧૩ વાગ્યાથી વાન્ડા ડાયમન્ડ લીગ ફેસબુક અને યુટ્યુબ-પેજ પર લાઇવ જોઈ શકાશે. ભારતના નીરજ ચોપડા અને કિશોર જેના જેવા પ્લેયર્સ વચ્ચે પાકિસ્તાનનો અર્શદ નદીમ નહીં જોવા મળે. તેણે અન્ય ઇવેન્ટની તૈયારી માટે આ ઇવેન્ટમાં ભાગ નથી લીધો.
નીરજ જ્યાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો એ ટેરિટોરિયલ આર્મીનો ઇતિહાસ શું છે?
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને ૨૦૧૧માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ આપવામાં આવ્યું હતું અને એ જ પદ હવે ઑલિમ્પિક્સ મેડલિસ્ટ નીરજને પણ એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માનમાં આ પદ એનાયત કરવામાં આવે છે. ઑક્ટોબર ૧૯૪૯માં સ્થાપિત ટેરિટોરિયલ આર્મી નિયમિત સેનાના ગૌણ દળ તરીકે સેવા આપે છે. એવા નાગરિકોનો સમાવેશ થાય છે જેઓ લશ્કરી તાલીમ મેળવે છે અને રાષ્ટ્રીય કટોકટી, યુદ્ધ અથવા આંતરિક સુરક્ષાની ફરજો દરમ્યાન તેમને બોલાવી શકાય છે. એના સભ્યો સમયાંતરે લશ્કરી તાલીમ લેતી વખતે તેમનો વ્યવસાય ચાલુ રાખે છે.
હવે ક્યારે છે નીરજ ચોપડાની નેક્સ્ટ ઇવેન્ટ?
૨૪ મેએ બૅન્ગલોરમાં આયોજિત નીરજ ચોપડા ક્લાસિક 2025ને સ્થગિત કર્યા બાદ ભારતનો આ જૅવલિન થ્રોઅર વિદેશી ધરતી પર કમાલ બતાવતો જોવા મળશે. તે આજે ૧૬ મેએ કતારના દોહામાં ડાયમન્ડ લીગ અભિયાનની શરૂઆત કરશે. ૨૩ મેએ તે પોલૅન્ડમાં ઑર્લેન જાનુસ્ઝ કુસોસિન્સ્કી મેમોરિયલ ટુર્નામેન્ટ રમશે અને ૨૪ જૂનથી તે ચેક રિપબ્લિકમાં ગોલ્ડન સ્પાઇક 2025માં ભાગ લેશે, જ્યાં તે ઈજાને લીધે છેલ્લી બે સીઝનમાં રમી શક્યો નહોતો.