ઉપરાઉપરી ત્રણ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનારો પહેલો ભારતીય બન્યો મરિયપ્પન

05 September, 2024 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ જમ્પમાં રિયોમાં ગોલ્ડ, ટોક્યોમાં સિ​લ્વર અને પૅરિસમાં બ્રૉન્ઝ મેળવ્યો : હાઈ જમ્પમાં શરદ કુમારે ટોક્યોના બ્રૉન્ઝ પછી પૅરિસમાં સિલ્વર મેડલ જીત્યો

મરિયપ્પન થંગાવેલુ, શરદ કુમાર

પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પુરુષોની T42 કૅટેગરીની હાઈ જમ્પ ઇવેન્ટમાં ભારતના શરદ કુમાર અને મરિયપ્પન થંગાવેલુએ મળીને બે મેડલ અપાવ્યા છે. શરદ કુમારે ફાઇનલમાં ૧.૮૮ મીટર અને મરિયપ્પન થંગાવેલુએ ૧.૮૫ મીટરના જમ્પ સાથે અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. અમેરિકાના ખેલાડીએ નવા પૅરાલિમ્પિક્સ રેકૉર્ડ ૧.૯૪ મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

બિહારમાં જન્મેલા ૩૨ વર્ષના શરદ કુમારનો આ બીજો પૅરાલિમ્પિક્સ મેડલ છે. તેણે ટોક્યોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તામિલનાડુનો ૨૯ વર્ષનો મરિયપ્પન થંગાવેલુ સતત ત્રણ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે રિયો ૨૦૧૬માં ૧.૮૯ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ અને ટોક્યો ૨૦૨૦માં ૧.૮૬ મીટરના પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો છે.

T42 કૅટેગરીમાં ભાગ લેનારા ઍથ્લીટ્સમાં અંગોની ખામીઓ હોય છે, જેમ કે જન્મથી જ પગમાં ખોડખાપણ જેવી સમસ્યા. શરદ કુમારને બે વર્ષની ઉંમરે પોલિયો થયો હતો, જ્યારે મરિયપ્પન થંગાવેલુના જીવનમાં એક કરુણ વળાંક આવ્યો હતો જ્યારે એક ઘટનામાં તેના પરથી બસ પસાર થઈ ગઈ હતી અને એથી તેનો જમણો પગ કાયમ માટે અક્ષમ થઈ ગયો છે.

paralympics 2024 paris olympics 2024 Olympics sports sports news