શૉટપુટમાં સાંગલીના મેકૅનિકલ એન્જિનિયર સચિન ખિલારીએ જીત્યો સિલ્વર મેડલ

05 September, 2024 12:38 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

બાળપણમાં માતાને ગુમાવનાર સચિને જૅવલિન થ્રોની રમતથી કરી હતી શરૂઆત

સચિન ખિલારી

મહારાષ્ટ્રના સાંગલીમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા સચિન સર્જેરાવ ખિલારીએ પુરુષોની શૉટપુટ F46 ઇવેન્ટમાં ૧૬.૩૨ મીટરના રેકૉર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય પુરુષે આ ઇવેન્ટમાં મેડલ જીત્યો છે. આ પહેલાં ૧૯૮૪માં જોગિન્દર સિંહ બેદીએ આ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. મહિલાઓમાં દીપા મલિકે પણ રિયો પૅરાલિમ્પિક્સ ૨૦૧૬માં શૉટપુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

૩૪ વર્ષના સચિને બીજા પ્રયાસમાં શ્રેષ્ઠ થ્રો કર્યો અને ૧૬.૩૦ મીટરના પોતાના એશિયન રેકૉર્ડથી આગળ નીકળી ગયો. અગાઉના આ બેસ્ટ થ્રોની મદદથી તેણે ૨૦૨૪ના મે મહિનામાં જપાનમાં વર્લ્ડ પૅરા-ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. F46 કૅટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમના હાથોમાં નબળાઈ હોય, આવા રમતવીરો ઊભા રહીને ઇવેન્ટમાં ભાગ લેતા હોય છે. મેકૅનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા આ ખેલાડીને બાળપણમાં સાઇકલ પરથી પડી જવાથી હાથમાં અક્ષમતા આવી છે.

અનેક સર્જરીઓ પછી પણ તેનો હાથ ક્યારેય સાજો થયો નથી. તેની માતાનું પણ તેના બાળપણમાં જ અવસાન થયું હતું. આટલા બધા અવરોધો છતાં તેણે મેકૅનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમ્યાન જૅવલિન ફેંકવાનું શરૂ કર્યું હતું. સ્પર્ધા દરમ્યાન ખભામાં થયેલી ઈજાને કારણે તેને શૉટપુટ રમવાની ફરજ પડી હતી. સચિન મેકૅનિકલ એન્જિનિયર છે અને રાજ્ય (MPSC) તેમ જ રાષ્ટ્રીય (UPSC) પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ કરે છે.

paralympics 2024 paris olympics 2024 india sports sports news