27 September, 2026 12:54 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
સાવન બરવાલ
ભારતના સાવન બરવાલે પુરુષોની મૅરથૉન સ્પર્ધામાં દિલધડક પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ ઐતિહાસિક જીત સાથે સાવને મૅરથૉન ઇવેન્ટમાં મેડલ મેળવવા માટે દેશની ૪૪ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આણ્યો છે. ભારતીય નૅશનલ રેકૉર્ડધારક સાવન બરવાલે ૪૨.૧૯૫ કિલોમીટરની આ આકરી દોડમાં શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત રાખી હતી. એશિયન ગેમ્સના ઇતિહાસમાં ૧૯૮૨ પછી ભારતનો આ પહેલો મૅરથૉન મેડલ છે અને વિદેશી ધરતી પર કોઈ ભારતીય પુરુષ ઍથ્લીટ દ્વારા મૅરથૉનમાં જીતવામાં આવેલો આ સર્વપ્રથમ મેડલ હોવાથી આ સિદ્ધિ રમતગમત જગતમાં સુવર્ણ અક્ષરે લખાશે.
શનિવારે વહેલી સવારે ભારતીય સમય અનુસાર ૪ વાગ્યે શરૂ થયેલી આ રેસમાં કુલ ૧૯ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં સાવન બરવાલ સાથે ભારતના અન્ય દોડવીર કાર્તિક કરકેરા પણ સામેલ હતો. સાવન બરવાલે બે કલાક ૧૧ મિનિટ ૩૭ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી, જ્યારે ગોલ્ડ મેડલ જીતનાર જપાનના ઇચિતાકા યામાશિતાએ બે કલાક ૧૦ મિનિટ અને ૪૯ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી.