✕

આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો, ઈરાની ઍથ્લીટ જીત્યો ગોલ્ડ

27 September, 2026 12:33 PM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

ભારતના તજિન્દરપાલ સિંહ તૂરે પુરુષોની શૉટ પુટ ફાઇનલમાં ૨૦.૬૪ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો. ઈરાનના મોહમ્મદરેઝા તૈયેબીએ ૨૦.૮૧ મીટરના થ્રો સાથે ગોલ્ડ અને નવો એશિયન ગેમ્સ રેકૉર્ડ બનાવ્યો.

તજિન્દરપાલ સિંહ

શનિવારે યોજાયેલી પુરુષોની શૉટ પુટ સ્પર્ધાની ફાઇનલમાં ભારતના દિગ્ગજ ઍથ્લીટ તજિન્દરપાલ સિંહ તૂરનો સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાનો ઇરાદો નિષ્ફળ નીવડ્યો છે. બે વખતના ડિફેન્ડિંગ ચૅમ્પિયન તજિન્દરપાલ સિંહે ૨૦.૬૪ મીટરના તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. આ રોમાંચક મુકાબલામાં ઈરાનના મોહમ્મદરેઝા તૈયેબીએ ૨૦.૮૧ મીટરનો શાનદાર થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ જીતવાની સાથે એક નવો એશિયન ગેમ્સ રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો છે. તૈયેબીએ આ પ્રદર્શન સાથે તૂરના જ ૨૦૧૮ના ૨૦.૭૫ મીટરના અગાઉના એશિયન ગેમ્સ રેકૉર્ડને તોડી નાખ્યો છે.
૨૦૧૮માં જકાર્તામાં અને ૨૦૨૨માં હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા તજિન્દરપાલ સિંહે ફાઇનલમાં મજબૂત શરૂઆત કરી હતી. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં ૨૦.૦૬ મીટર અને બીજા પ્રયાસમાં ૨૦.૨૬ મીટરનો થ્રો ફેંકીને મેડલની રેસમાં દાવેદારી મજબૂત રાખી હતી. જોકે ત્યાર બાદ આગામી થોડા પ્રયાસોમાં પોતાનો લય મેળવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો, જેમાં ત્રીજા પ્રયાસમાં ૧૯.૭૭ મીટર અને ચોથા પ્રયાસમાં ૧૯.૭૧ મીટરનો સ્કોર નોંધાયો હતો. પાંચમા પ્રયાસમાં તૂરે જોરદાર વાપસી કરીને ૨૦.૬૪ મીટરનો મોટો થ્રો ફેંક્યો હતો, પરંતુ તે ઈરાની ખેલાડીને પછાડીને પ્રથમ સ્થાન મેળવવા માટે પૂરતો નહોતો. તેનો છઠ્ઠો અને અંતિમ પ્રયાસ ફાઉલ જાહેર થતાં તે ૨૦.૬૪ મીટરના સ્કોર સાથે બીજા સ્થાને રહ્યો હતો. આ સિલ્વર મેડલની જીત સાથે તજિન્દરપાલ સિંહ તૂરે પોતે ભાગ લીધેલી દરેક એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનો પોતાનો અજોડ અને શાનદાર રેકૉર્ડ સફળતાપૂર્વક જાળવી રાખ્યો છે.

asian games india japan sports news sports