વર્લ્ડ ઍથ્લેટિક્સમાં નીરજ ચોપડાએ પહેલા જ થ્રોમાં ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધું

18 September, 2025 11:47 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ભારતનો સચિન યાદવ અને પાકિસ્તાની અર્શદ નદીમ પણ આજે મેડલ માટે તેને ટક્કર આપશે

નીરજ ચોપડા

ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ ઍથ્લેટિક્સમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ પહેલા જ થ્રોમાં ક્વૉલિફિકેશન માર્ક હાંસિલ કરીને ફાઇનલમાં પહોંચી ગયો હતો. ગઈ કાલે શરૂ થયેલા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ફાઇનલ માટે ક્વૉલિફાય કરવા માટે ૮૪.૫૦ મીટરનો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો અને ૨૭ વર્ષના નીરજે પહેલા પ્રયાસમાં ૮૪.૮૫ મીટરના થ્રો સાથે એને પાર કરી લીધો હતો. નીરજ ઉપરાંત ભારતનો સચિન યાદવ (૮૩.૬૭) અને ઑલિમ્પિક ચૅમ્પિયન પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમ (૮૫.૨૮) પણ ફાઇનલમાં પહોંચી ગયા હતા.

ફાઇનલ માટે કુલ ૧૨ ખેલાડીઓ ક્વૉલિફાય થાય છે. ક્વૉલિફાઇંગ માર્ક ૮૪.૫૦ મીટરને હાંસિલ કરનાર ડાયરેક્ટર ક્વૉલિફાય થાય અને બાકી સ્થાન માટે ટૉપ ૧૨માં રહેનાર ખેલાડીઓને મોકો મળે છે. ગઈ કાલે ૭ જણે ડાયરેક્ટર ક્વૉલિફાય કર્યું હતું, જ્યારે બાકીના પાંચ (ભારતના સચિન યાદવ સહિત)એ ટૉપ ૧૨માં રહીને ફાઇનલની ટિ​કિટ મેળવી હતી. 

નીરજ વર્સસ નદીમ

આજની ફાઇનલમાં ભારતનો નીરજ ચોપડા અને પાકિસ્તાનના અર્શદ નદીમ વચ્ચેની ટક્કરને લીધે ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. બન્ને દેશો વચ્ચેના હાલના રાજકીય સંબંધો અને એશિયા કપને લીધે બનેલા માહોલને લીધે આ ટક્કરે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લે પૅરિસ ઑલિમ્પિક્સમાં આ બન્ને ખેલાડીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો, જેમાં નદીમે પહેલી વાર નીરજને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સ્પર્ધાના હાલના ચૅમ્પિયન નીરજને આજે તેનો મેડલ જાળવી રાખવા નદીમ ઉપરાંત જર્મન સ્ટાર જુલિયન વેબર અને ગ્રેનેડિયન ઍન્ડરસન પીટર્સ તરફથી પણ જબરી ટક્કર મળી શકે છે.

athletics neeraj chopra india pakistan sports sports news