04 September, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટોક્સિક
કન્નડા સુપરસ્ટાર યશની ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ની બૉક્સ-ઑફિસ પર શાનદાર શરૂઆત થઈ હતી, પણ ધીમે-ધીમે એની દૈનિક કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સંજોગોમાં ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરે હવે યશની આ ફિલ્મને પોતાનું સમર્થન આપ્યું છે. આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને યશનો ઉત્સાહ વધાર્યો છે.
આદિત્યે આ ફિલ્મ વિશે કોઈ લાંબી પોસ્ટ લખી નથી પણ સોશ્યલ મીડિયામાં ‘ટૉક્સિક’માંથી યશની એક તસવીર પોસ્ટ કરીને ફિલ્મનું સમર્થન કર્યું હતું. આદિત્યે આ પોસ્ટમાં યશને ટૅગ કરીને માત્ર ‘યશ’ લખ્યું અને ફિલ્મની પ્રશંસા કરીને તાકાત દર્શાવતા ઇમોજી સાથે રેડ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યું હતું.
‘ટૉક્સિક’ અગાઉ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સાથે જ ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી પણ છેલ્લી ઘડીએ ‘ટૉક્સિક’ની રિલીઝ-ડેટ આગળ ધપાવી દેવામાં આવી હતી. આ ફેરફારને કારણે બન્ને ફિલ્મોની ટક્કર ટળી ગઈ હતી.