22 January, 2025 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન
અક્ષય કુમારની નેક્સ્ટ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે અને હાલમાં અક્ષય એ ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યો છે. આવી જ એક પ્રમોશનલ ઇવેન્ટમાં અક્ષયે ‘મૈં ખિલાડી તૂ અનાડી’ના પોતાના કો-સ્ટાર સૈફ અલી ખાન પર તાજેતરમાં થયેલા હુમલા વિશે વાત કરી હતી. અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘આટલા મોટા હુમલા પછી સૈફ સુરક્ષિત છે એ સારી વાત છે. તે સલામત છે એટલે સમગ્ર ઇન્ડસ્ટ્રી ખુશ છે. સૈફે ભારે બહાદુરીપૂર્વક પોતાના પરિવારનું રક્ષણ કર્યું છે. રિયલ લાઇફમાં તો સૈફ ખરો ખિલાડી છે.’
અક્ષય કુમારે વધુમાં કહ્યું હતું કે મેં સૈફ સાથે ‘મૈં ખિલાડી તૂ અનાડી’માં કામ કર્યું હતું, પરંતુ હવે જો અમે સાથે ફિલ્મ કરીશું તો એનું નામ ‘દો ખિલાડી’ હશે.
અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ૧૯૯૪માં આવેલી ‘મૈં ખિલાડી તૂ અનાડી’માં સાથે જોવા મળ્યા હતા. એ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. એ સિવાય બન્નેએ ‘ટશન’માં પણ સાથે કામ કર્યું હતું.