ધુરંધર : ધ રિવેન્જની સફળતાને પગલે અક્ષયની ભૂત બંગલા પોસ્ટપોન, ૧૬ એપ્રિલે યોજાશે પેઇડ પ્રિવ્યુ શો

03 April, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ભૂત બંગલા’ની નિર્માતા એકતા કપૂરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને રિલીઝની નવી તારીખ જાહેર કરી છે

‘ભૂત બંગલા’ ૧૬ એપ્રિલે રિલીઝ થશે

૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થયેલી ‘ધુરંધર : ધ રિવેન્જ’ હાલમાં પણ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ પરિસ્થિતિ જોઈને હવે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રિલીઝ-તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પહેલાં ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને આગળ ધકેલીને ૧૬ એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ સ્વીકાર્યું છે કે આ ફેરફાર ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

‘ભૂત બંગલા’ની નિર્માતા એકતા કપૂરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને રિલીઝની નવી તારીખ જાહેર કરી છે. તેણે લખ્યું કે ડિસ્ટ્રિબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ સાથે ચર્ચા કર્યા બાદ ‘ભૂત બંગલા’ને ૧૬ એપ્રિલે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પહેલો શો રાત્રે ૯ વાગ્યાથી શરૂ થશે. એકતાએ વધુમાં કહ્યું કે ‘ધુરંધર : ધ રિવેન્જ’નું શાનદાર પ્રદર્શન સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે ઉત્સાહજનક છે અને આ બદલાવથી બન્ને ફિલ્મને યોગ્ય સ્થાન અને દર્શકોનું ધ્યાન મળશે.

ખાસ વાત એ છે કે ‘ભૂત બંગલા’ના મેકર્સે માત્ર રિલીઝ-તારીખમાં બદલાવ નથી કર્યો, એનું રિલીઝ-ફૉર્મેટ પણ ‘ધુરંધર : ધ રિવેન્જ’ જેવું રાખ્યું છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝ પહેલાં પેઇડ પ્રિવ્યુ શો રાખ્યા હતા જે ખૂબ સફળ રહ્યા હતા. હવે ‘ભૂત બંગલા’ પણ એ જ રસ્તે ચાલી રહી છે અને ૧૬ એપ્રિલે રાત્રે ૯ વાગ્યે પેઇડ પ્રિવ્યુ શો રાખવામાં આવ્યો છે. 

akshay kumar upcoming movie ekta kapoor box office dhurandhar entertainment news bollywood bollywood news