22 January, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર અને વિદ્યા બાલનની ફાઇલ તસવીર
અક્ષયકુમાર ૧૫ વર્ષ બાદ ફરી એક વાર ફિલ્મ-ડિરેક્ટર અને પ્રોડ્યુસર અનીસ બઝ્મી સાથે નવી કૉમેડી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. બન્નેએ છેલ્લે ૨૦૧૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘થૅન્ક યુ’માં સાથે કામ કર્યું હતું જે સુપરહિટ રહી હતી. હવે આ હિટ જોડી ફરી સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના સાથે વિદ્યા બાલન પણ જોવા મળશે. આ સિવાય રાશિ ખન્ના પણ આ ફિલ્મનો મહત્ત્વનો ભાગ હશે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અક્ષયકુમારની પત્નીની ભૂમિકા ભજવશે, જ્યારે રાશિ ખન્ના ફિલ્મમાં અક્ષયની એક્સ-ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળશે. પતિ, પત્ની અને એક્સ-ગર્લફ્રેન્ડ વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકો માટે ભરપૂર હાસ્યનો ડોઝ લઈને આવશે.
આ ફિલ્મમાં અક્ષયકુમાર એક ભૂતપૂર્વ પોલીસ-અધિકારીની ભૂમિકા ભજવતો જોવા મળશે. કથા એક એવા એક્સ-કોપની આસપાસ ફરતી છે જે પોતાની સેવામાંથી નિવૃત્તિ બાદ શાંતિપૂર્ણ અને આરામદાયક જીવન જીવી રહ્યો હોય છે. જોકે તેની શાંત જિંદગીમાં ઊથલપાથલ ત્યારે મચી જાય છે જ્યારે તેની એક્સ-ગર્લફ્રેન્ડ અચાનક ફરી તેની જિંદગીમાં પાછી આવે છે. તે કોઈ તપાસ માટે અક્ષયની મદદ માગે છે, કારણ કે આ મિશન માટે અનુભવ અને કુશળતાની જરૂર હોય છે. અહીંથી જ વાર્તામાં કૉમેડી, ઍક્શન અને નોસ્ટેલ્જિયાનું મજેદાર મિશ્રણ શરૂ થાય છે.