06 October, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મના સ્ક્રીનરાઇટર આમિલ કિયાન ખાન
અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે અને ફિલ્મને સમીક્ષકો તથા દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના સ્ક્રીનરાઇટર આમિલ કિયાન ખાને હાલમાં કહ્યું હતું કે આ અંતિમ ભાગની પટકથા લખવી તેના માટે ખૂબ જ પડકારજનક રહી હતી. ફિલ્મની વાર્તાને અંતિમ સ્વરૂપ આપવા માટે તેણે ૧૦૦થી વધુ ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, ફિલ્મનો અંત જાણવા માટે તેના મિત્રો, ફિલ્મ સાથે સંકળાયેલા કેટલાક કલાકારો તથા ક્રુ-મેમ્બર્સ તેને લાંચ આપવાનો પ્રયાસ કરતા હતા.
પોતાનો અનુભવ જણાવતાં આમિલ કિયાન ખાને કહ્યું, ‘મારી પાસે એક ફોલ્ડરની અંદર બીજાં અનેક ફોલ્ડર હતાં. એમાં તારીખો અને નંબરો સાથે અનેક ડ્રાફ્ટ રાખવામાં આવ્યા હતા. કેટલીક ફાઇલોનાં નામ ‘ફાઇનલ’, ‘ફાઇનલ 2’, ‘ફાઇનલ ફાઇનલ’ અને ‘ફાઇનલ પ્લીઝ ગૉડ’ જેવાં રાખવામાં આવ્યાં હતાં. મને લાગે છે કે અલગ-અલગ સ્વરૂપમાં ૧૦૦થી વધુ ડ્રાફ્ટ ચોક્કસ તૈયાર થયા હતા. ફિલ્મના નિર્માતાઓએ ક્લાઇમૅક્સ અને મોટા વળાંકોની માહિતી બહાર ન જાય એ માટે ખૂબ જ કડક ગોપનીયતા જાળવી હતી. ડિરેક્ટર અભિષેક પાઠકે નિર્માણપ્રક્રિયા એવી રીતે સંભાળી હતી જાણે વિજય સાલગાવકર પોતાનાં રહસ્યો છુપાવી રહ્યો હોય. ક્રૂના મોટા ભાગના લોકોને ફિલ્મના ક્લાઇમૅક્સ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી અને દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ જ માહિતી આપવામાં આવતી હતી. આના કારણે ફિલ્મના ઘણા કલાકારો અને ક્રૂ મને ફિલ્મનો અંત જણાવવા માટે લાંચ આપવાનો પ્રયાસ કરતા હતા. જોકે મેં કોઈને અંતની જાણકારી આપી નહોતી.’
‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’એ શુક્રવારથી રવિવાર સુધી શાનદાર કમાણી નોંધાવી છે અને એ ૨૦૨૬ની બીજા નંબરની સૌથી મોટું ઓપનિંગ વીકએન્ડ મેળવનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ મામલે પહેલા નંબર પર ‘ધુરંધર : ધ રિવેન્જ’ છે. ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને શુક્રવારે ગાંધી જયંતીની રાષ્ટ્રીય રજાનો ફાયદો મળ્યો હતો. ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ના પ્રથમ અઠવાડિયાના બૉક્સ-ઑફિસ આંકડા મુજબ શુક્રવારે ફિલ્મે ૬૨ કરોડ રૂપિયા, શનિવારે બાવન કરોડ રૂપિયા અને રવિવારે ૬૦.૫૦ કરોડ રૂપિયાની ભારતમાં નેટ બૉક્સ-ઑફિસ કમાણી કરી હતી. આમ ત્રણ દિવસમાં ફિલ્મની કુલ કમાણી ૧૭૪.૫૦ કરોડ રૂપિયા થઈ છે.