Entertainment Updates: ઓમકારેશ્વર જઈને દસમા જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં કંગનાએ

25 December, 2025 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: તિરુપતિ બાલાજીનાં ચરણોમાં પહોંચ્યાં સ્મૃતિ ઈરાની; રાહુ કેતુની રિલીઝ પહેલાં ફિલ્મના સ્ટાર્સે મહાકાલેશ્વર બાબાનાં દર્શન કર્યાં અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

મંગળવારે ઝારખંડમાં નવમા વૈદ્યનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ કંગના રનૌતે કહ્યું હતું કે તે ડિસેમ્બર મહિનો પૂરો થાય એ પહેલાં જ બારેબાર જ્યોતિર્લિંગનાં દર્શન કરી લેશે. એટલે ગઈ કાલે તે મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા પહોંચી હતી.

લાઇકા લાઇકીના શૂટિંગમાં રાશા થડાણીની ભરપૂર ધમાલમસ્તી

રાશા થડાણી હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘લાઇકા લાઇકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ‘મુંજ્યા’ના હીરો અભય વર્મા સાથે કામ કરી રહી છે. હાલમાં રાશાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સેટ પરની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તે સેટ પર ફિલ્મની ટીમ સાથે ભરપૂર ધમાલમસ્તી કરી રહી છે. રાશાએ આ તસવીરો શૅર કરતી વખતે લખ્યું છે કે ‘પસંદીદા પળો, પસંદીદા લોકો અને ઘણોબધો આભાર.’

બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરવા ધુરંધર 2નો માસ્ટર પ્લાન

રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મે મંગળવાર સુધી ભારતમાં ૬૧૦.૩૦ કરોડ રૂપિયાની નેટ કમાણી રહી છે. આ ફિલ્મ કમાણીના મામલે અનેક રેકૉર્ડ કરી રહી છે ત્યારે બીજી તરફ મેકર્સે ફિલ્મના બીજા ભાગને લઈને એક મોટો નિર્ણય લીધો છે. ‘ધુરંધર’નો પહેલો ભાગ ફક્ત હિન્દી ભાષામાં રિલીઝ થયો હતો. આ ફિલ્મ સાથે મેકર્સે ‘ધુરંધર 2’ની રિલીઝ ડેટ આવતા વર્ષની ૧૯ માર્ચ જાહેર કરી હતી. હવે નિર્માતાઓએ નક્કી કર્યું છે કે ‘ધુરંધર 2’ ફક્ત હિન્દીમાં નહીં પરંતુ તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી સાઉથની તમામ મુખ્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે. આમ હવે આ ફિલ્મ સંપૂર્ણ રીતે પૅન ઇન્ડિયા પ્રોજેક્ટ બની ગઈ છે. આ નિર્ણય ‘ધુરંધર 2’ને બૉક્સ-ઑફિસ પર વધુ મોટો ફાયદો અપાવી શકે છે.

લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે નવમી જાન્યુઆરીએ રિલીઝ થશે હિન્દીમાં

હાલમાં સુપરહિટ સાબિત થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’ હવે આવતા મહિનાની નવમી જાન્યુઆરીએ હિન્દી ભાષામાં રિલીઝ થવાની છે જેના કારણે હવે ફિલ્મ આખા દેશના દર્શકો સુધી પહોંચશે. મળતી માહિતી પ્રમાણે માત્ર પચાસ લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ગુજરાતી ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સો કરોડ રૂપિયા કરતાં વધારે વકરો કર્યો છે. અંકિત સખિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી અને અંશુ જોશી જેવા કલાકારોએ કામ કર્યું છે અને આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે.

રાહુ કેતુની રિલીઝ પહેલાં ફિલ્મના સ્ટાર્સે મહાકાલેશ્વર બાબાનાં દર્શન કર્યાં

‘ફુકરે’માં પુલકિત સમ્રાટ અને વરુણ શર્માની જોડી લોકોને બહુ ગમી હતી અને હવે આ બન્ને ૧૬ જાન્યુઆરીએ રિલીઝ થનારી કૉમેડી ફિલ્મ ‘રાહુ કેતુ’માં ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં પુલકિત તથા વરુણે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર બાબાનાં દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. પુલકિતે સોશ્યલ મીડિયામાં તેમનાં આ દર્શનની તસવીરો પોસ્ટ કરી છે જેમાં ફિલ્મની આખી ટીમ મહાદેવના આશીર્વાદ લેતી દર્શાવવામાં આવી છે. પુલકિતે આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે, ‘હર હર મહાદેવ, મહાકાલના આશીર્વાદ સાથે રાહુ કેતુ તૈયાર છે... તમને ૧૬ જાન્યુઆરીએ થિયેટર્સમાં જોવા માટે.’

તિરુપતિ બાલાજીનાં ચરણોમાં પહોંચ્યાં સ્મૃતિ ઈરાની

ઍક્ટ્રેસ અને રાજકારણી સ્મૃતિ ઈરાનીએ હાલમાં તિરુપતિ જઈને ભગવાન શ્રી વેન્કટેશ્વરનાં દર્શન કરીને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. સ્મૃતિએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ દર્શનની જે તસવીર શૅર કરી છે એમાં તેમણે પરંપરાગત સાડી પહેરી છે અને ભક્તિપૂર્વક હાથ જોડ્યા છે. આ તસવીર સાથે સ્મૃતિએ કૅપ્શન લખી છે, ‘તિરુપતિ બાલાજીનાં ચરણોમાં...’

દિશા વાકાણીએ નો-મેકઅપ લુકમાં પણ ફૅન્સ સમક્ષ પ્રેમથી ક્લિક કરાવી તસવીરો

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરનાર દિશા વાકાણી ૨૦૧૭ પછી શોમાં જોવા નથી મળી છતાં આજે પણ તે અત્યંત લોકપ્રિય છે. હાલમાં દિશા મુંબઈમાં નો-મેકઅપ લુકમાં સિમ્પલ ડ્રેસમાં જોવા મળી હતી. દિશા પહેલી નજરે ઓળખાતી નહોતી પણ ફૅન્સ તરત જ તેને ઓળખી ગયા અને સાથે તસવીર ક્લિક કરાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. એ સમયે દિશાએ કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર નો-મેકઅપ લુકમાં પણ પ્રેમથી ફૅન્સ સાથે તસવીર ક્લિક કરાવી હતી.

બબિતાજી ક્રિસમસ ઊજવવા પહોંચ્યાં બુડાપેસ્ટ

ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબિતાજીનો રોલ ભજવીને ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા આ વર્ષે ક્રિસમસનું સેલિબ્રેશન કરવા હંગેરીની રાજધાની બુડાપેસ્ટ પહોંચી ગઈ છે. મુનમુન બહુ લાંબા સમયથી યુરોપમાં ક્રિસમસ ઊજવવાનું સપનું જોઈ રહી હતી અને તેનું આ સપનું આ વર્ષે  પૂરું થયું. મુનમુને સોશ્યલ મીડિયા પર બુડાપેસ્ટમાં સેલિબ્રેશનનો માહોલ દર્શાવતી તસવીરો પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘અત્યારે બુડાપેસ્ટમાં ક્રિસમસ સેલિબ્રેશનનો માહોલ છે. વર્ષનો આ સમય મારો સૌથી પ્રિય સમય છે. સુંદર પ્રકાશ, મલ્ડ વાઇન, માર્ઝિપાન (એક ખાસ મીઠાઈ) અને કડકડતી ઠંડી વચ્ચે યુરોપમાં ક્રિસમસ ઊજવવાનું સપનું હું ઘણાં વર્ષોથી જોઈ રહી હતી અને એ આ વર્ષે પૂરું થયું છે અને એ માટે હું અત્યંત કૃતજ્ઞ અને ખુશ છું.’

entertainment news bollywood bollywood news film lalo kangana ranaut pulkit samrat varun sharma ujjain upcoming movie taarak mehta ka ooltah chashmah budapest christmas new year disha vakani dhurandhar box office smriti irani tirupati rasha thadani