Entertainment Updates: ક્રિતી સૅનનનો આ મિની ડ્રેસ ૬૭,૦૦૦ રૂપિયાનો છે

01 June, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: અક્ષય કુમાર અને ટ્‌વિંકલ ખન્ના જોવા મળ્યાં ડિનર-ડેટ પર; બૉબી દેઓલે ઊજવી લગ્નની ૩૦મી વર્ષગાંઠ અને વધુ સમાચાર

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન હાલમાં તેની ફિલ્મ ‘કૉક્ટેલ 2’ના પ્રમોશન માટે એમરલ્ડ ગ્રીન રંગના આકર્ષક મિની ડ્રેસમાં જોવા મળી હતી. આ મિની ડ્રેસની કિંમત અંદાજે ૬૭,૦૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે. સ્લીવલેસ ડિઝાઇન ધરાવતા આ ડ્રેસ પર વિવિધ જગ્યાએ મોટા ક્રિસ્ટલ જેવો લુક આપતી ઍક્રિલિકની પૅટર્ન લગાવવામાં આવી હતી જે તેને ખાસ લુક આપતી હતી.

સમર સુંદરી

માધુરી દીક્ષિત અવારનવાર પોતાના અલગ-અલગ લુક અને સ્ટાઇલની તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. હાલમાં માધુરીએ મૉડર્ન સ્ટાઇલની ઑમ્બ્રે શેડેડ સાડી પહેરીને તસવીરો પોસ્ટ કરી છે. આ સાડીમાં ઉપરનો ભાગ ગુલાબી છે જે નીચે જતાં ધીમે-ધીમે શેડ બદલીને સુંદર મસ્ટર્ડ યલો રંગમાં પરિવર્તિત થાય છે. માધુરીએ આ તસવીરો સાથે લખ્યું છે : ‘ઉનાળાની સાંજના સૂર્યાસ્ત 
પાસેથી ઉધાર લીધા હોય એવા રંગોમાં લહેરાતી અને મસ્તીથી ફરતી...’

આ છે શિલ્પા શેટ્ટીનો સન્ડે મૂડ

બૅસ્ટિઅન નામની રેસ્ટોરાં-ચેઇન ધરાવતી શિલ્પા શેટ્ટીએ જુહુના દરિયાકિનારે આવેલી સન-અૅન-સૅન્ડ હોટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બૅસ્ટિઅન બીચ ક્લબ પણ શરૂ કરી છે. બીચને અડીને આવેલી આ ક્લબમાં ગઈ કાલે શિલ્પા શેટ્ટી રિલૅક્સ કરતી જોવા મળી હતી. પોતાના સન્ડે મૂડની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને શિલ્પાએ જાહેર કર્યું હતું કે આજે હું એક પણ ઈ-મેઇલનો જવાબ નથી આપવાની. બૅસ્ટિઅન બીચ ક્લબ મંગળવારથી રવિવાર ખુલ્લી હોય છે અને બપોરે ૧૨ વાગ્યે શરૂ થઈ જાય છે.

અક્ષય કુમાર અને ટ્‌વિંકલ ખન્ના જોવા મળ્યાં ડિનર-ડેટ પર

અક્ષય કુમાર અને ટ્‌વિંકલ ખન્ના  હાલમાં ડિનર-ડેટ માટે બાંદરાની એક રેસ્ટોરાંમાં પહોંચ્યાં હતાં. તેમની આ ડિનર-ડેટના વિડિયોમાં બન્નેને રેસ્ટોરાંમાંથી બહાર નીકળતાં જોઈ શકાય છે. અક્ષય કુમારે લાઇટ બ્લુ સ્ટ્રાઇપ્ડ શર્ટ સાથે ડેનિમ જીન્સ અને વાઇટ સ્નીકર્સ પહેર્યાં હતાં. તેની હળવી દાઢી અને સ્લીક હેરસ્ટાઇલે સમગ્ર લુકને વધુ ક્લાસી બનાવ્યો હતો. આ સમયે ટ્‌વિન્કલે બ્લૅક ટૉપ સાથે વાઇટ સ્કર્ટ પહેર્યું હતું તેમ જ લુકને બ્રાઉન બેલ્ટ અને સ્ટાઇલિશ હૅન્ડબૅગ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

બૉબી દેઓલે ઊજવી લગ્નની ૩૦મી વર્ષગાંઠ

બૉબી દેઓલનાં લગ્નને શનિવારે ૩૦ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે અને તેણે પત્ની તાન્યા દેઓલ સાથે આ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. શનિવારે મોડી રાત્રે બૉબીએ પત્ની તાન્યા સાથેની ખાસ તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને એની સાથે ‘વર્ષગાંઠની શુભેચ્છાઓ માય લવલી, લવ યુ’નો સંદેશ પોસ્ટ કર્યો હતો. બૉબીએ આ સાથે જ વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવનારા સેલિબ્રિટી મિત્રોની પોસ્ટ પણ શૅર કરી હતી.

entertainment news bollywood bollywood news kriti sanon madhuri dixit fashion akshay kumar twinkle khanna shilpa shetty bobby deol