✕

Entertainment Updates: સલમાને ખુશ કરી દીધા ફોટોગ્રાફર્સને

01 October, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: ઐશ્વર્યા રાયે ફોટોગ્રાફર્સ અને ફૅન્સ સાથે ફોટો ક્લિક કરાવીને જીતી લીધાં દિલ; માધુરી દીક્ષિતે કરી કોણ હોણાર કરોડપતિના હોસ્ટ તરીકે શૂટિંગની શરૂઆત અને વધુ સમાચાર

સલમાન ખાન

સલમાન ખાને હાલમાં ‘બિગ બૉસ’ના ‘વીકએન્ડ કા વાર’માં ફોટોગ્રાફર્સના અભિગમ અને કલ્ચર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે હિરોઇનોની બૅકસાઇડની તસવીરો અને વિડિયો લેતા ફોટોગ્રાફર્સની આકરી ઝાટકણી કાઢી હતી. જોકે મંગળવારે મોડી રાત્રે સલમાને ફોટોગ્રાફર્સને સારી રીતે પોઝ આપીને તેમને ખુશ કરી દીધા હતા. સામાન્ય રીતે કલાકારોની તસવીરો લેતી વખતે તેમનું ધ્યાન ખેંચવા માટે તેમના નામની બૂમ પાડતા ફોટોગ્રાફર્સ પણ સલમાન પાસે શાંત અને સંયમિત જોવા મળ્યા હતા. સલમાને તેમને ખાસ પોઝ આપ્યા હોવાને કારણે તેઓ ખુશ થઈ ગયા હતા અને આ બદલ તેમણે સલમાનનો આભાર પણ માન્યો હતો. સલમાનના આ અંદાજને કારણે એવું લાગી રહ્યું છે કે ‘બિગ બૉસ’માં ફોટોગ્રાફર્સને તેણે ચેતવણી આપ્યા બાદ બન્ને વચ્ચેના સંબંધોમાં એક તાલમેલ આવ્યો છે જેના પગલે સલમાન સામે ફોટોગ્રાફર્સ ખૂબ જ સાવધાની અને શાલીનતાથી વર્તન કરતા જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા રાયે ફોટોગ્રાફર્સ અને ફૅન્સ સાથે ફોટો ક્લિક કરાવીને જીતી લીધાં દિલ

ઐશ્વર્યા રાય બચ્ચન ભલે હવે ઓછી ફિલ્મોમાં જોવા મળે છે, પણ તે અવારનવાર વિવિધ ઇવેન્ટ્સનો હિસ્સો બને છે. ૨૮ સપ્ટેમ્બરે ઐશ્વર્યાએ પૅરિસના ફૅશન વીકમાં રૅમ્પ-વૉક પણ કર્યું હતું અને પોતાના અંદાજથી સૌનું દિલ જીતી લીધું હતું. આ પછી તે જ્યારે મુંબઈ પરત ફરી ત્યારે ઍરપોર્ટ પર હાજર ફોટોગ્રાફર્સને જોઈને સ્માઇલ કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. તેણે તેમની સાથે તેમ જ ફૅન્સ સાથે તસવીરો પણ પડાવી હતી. ઐશ્વર્યાના આ વર્તન પછી સોશ્યલ મીડિયા પર લોકો તેની વર્તણૂકની સાથે-સાથે સિમ્પલ અને સ્ટાઇલિશ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

માધુરી દીક્ષિતે કરી કોણ હોણાર કરોડપતિના હોસ્ટ તરીકે શૂટિંગની શરૂઆત

માધુરી દીક્ષિતે ગઈ કાલથી ફિલ્મસિટી ખાતે મરાઠી ક્વિઝ શો ‘કોણ હોણાર કરોડપતિ’ના શૂટિંગની શરૂઆત કરી છે. પરંપરાગત મરાઠી અંદાજમાં સજ્જ માધુરીને હોસ્ટ તરીકે જોવા માટે ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ના મરાઠી રૂપાંતરણ ‘કોણ હોણાર કરોડપતિ’માં અત્યાર સુધી સચિન ખેડેકર, સ્વપ્નિલ જોશી અને નાગરાજ મંજુલે જેવા જાણીતા કલાકારો હોસ્ટની ભૂમિકા ભજવી ચૂક્યા છે. હવે માધુરી દીક્ષિત આ શોની પહેલી મહિલા હોસ્ટ બની છે. ‘કોણ હોણાર કરોડપતિ’ની નવી સીઝનનું પ્રસારણ ૧૨ ઑક્ટોબરથી શરૂ થવાનું છે. આ શો સોમવારથી શનિવાર રાત્રે ૯ વાગ્યે સોની મરાઠી ચૅનલ પર પ્રસારિત થશે.

સોનાલી બેન્દ્રેએ શરૂ કર્યું ધમાલ વિથ પતિ, પત્ની ઔર પંગા : જોડીઓં કા રિયલિટી ચેકનું શૂટિંગ

સોનાલી બેન્દ્રે ગઈ કાલે ફિલ્મસિટી ખાતે પોતાના આગામી રિયલિટી શો ‘ધમાલ વિથ પતિ, પત્ની ઔર પંગા : જોડીઓં કા રિયલિટી ચેક’ના સેટ પર જોવા મળી હતી. આ શો ટૂંક સમયમાં કલર્સ ટીવી પર પ્રસારિત થવાનો છે. શોના શૂટિંગ દરમ્યાન સોનાલી બેન્દ્રેનો ગ્લૅમરસ લુક જોવા મળ્યો હતો અને તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.

અપરા મહેતાએ ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની ઓરિજિનલ ગર્લ-ગૅન્ગને ઘરે બોલાવીને જમાડી

‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી’માં સવિતા વીરાણીનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનારાં અપરા મહેતાએ આ સિરિયલની પોતાની ઓરિજિનલ ગર્લ-ગૅન્ગને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અપરાએ આ ખાસ ગેટ-ટુગેધરની તસવીર સોશ્યલ મીડિયા પર પણ શૅર કરી હતી. આ ગેટ-ટુગેધરમાં સ્મૃતિ ઈરાની ઉપરાંત રિતુ ચૌધરી, ગૌરી પ્રધાન, કોમલિકા ગુહા-ઠાકુર્તા અને શોના અન્ય જાણીતા ચહેરાઓ પણ સામેલ હતા. અપરાબહેને આ તસવીર શૅર કરતાં લખ્યું હતું કે ‘મારી ‘ક્યોંકિ...’ની લવલી લેડીઝ. જૂના સાથીઓ, જીવનભરના મિત્રો. આટલાં વર્ષો બાદ પહેલી વાર તમારા માટે યજમાની કરીને અને રસોઈ બનાવીને મને ખૂબ આનંદ થયો. આવવા બદલ આભાર અને આવી જ સુંદર સાંજ હંમેશાં ઊજવતા રહીએ... જેમાં ખૂબ હાસ્ય, પ્રેમ અને સારું ભોજન હોય.’ આ શોમાં તુલસી વીરાણીની લોકપ્રિય ભૂમિકા ભજવનારી સ્મૃતિ ઈરાનીએ તસવીર નીચે કમેન્ટ કરીને અપરાબહેનની રસોઈનાં વખાણ કર્યાં હતાં અને લખ્યું હતું કે ‘અપ્પા, તમે શાનદાર રસોઈ બનાવો છો. તમારે એવા લોકો માટે ડિનર આધારિત ગેટ-ટુગેધર કરવું જોઈએ જેઓ ગુજરાતની રસોઈનો ઇતિહાસ અને વિશેષતાઓને સમજે છે.’

entertainment news bollywood bollywood news Salman Khan Bigg Boss sonali bendre colors tv aishwarya rai bachchan paris fashion madhuri dixit kyunki saas bhi kabhi bahu thi Apara Mehta smriti irani