02 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી સાથે ટાઇગર શ્રોફ
સુનીલ શેટ્ટીની ગણતરી એક સમયના ટોચના ઍક્શન હીરો તરીકે થતી હતી અને હવે તે ફરીથી ઍક્શન ફિલ્મમાં કામ કરવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી સાથે ટાઇગર શ્રોફ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે મેકર્સે સુનીલ શેટ્ટીને આ ઍક્શન થ્રિલરની સ્ટોરી સંભળાવી છે જેમાં તેણે રસ દર્શાવ્યો છે. જો સુનીલ શેટ્ટી આ પ્રોજેક્ટ માટે સંમતિ આપે તો જલદી જ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ શકે છે. બીજી તરફ ટાઇગર શ્રોફ પહેલાંથી જ આ ફિલ્મ માટે તૈયાર છે. જોકે આ ફિલ્મ વિશે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો પ્રથમ વખત સુનીલ શેટ્ટી અને ટાઇગર શ્રોફ એકસાથે સ્ક્રીન શૅર કરતા જોવા મળશે.
અક્ષય કુમાર ગઈ કાલે પોતાનાં સાસુ અને ઍક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. અક્ષયે પોતાની આવનારી ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ પહેલાં આશીર્વાદ લેવા માટે ભગવાન શિવ અને નંદીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે અક્ષયે સફેદ કુરતો-પાયજામો પહેર્યો હતો જે તેની સાદગી અને શ્રદ્ધાને દર્શાવે છે. મંદિર પરિસરથી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાતચીત દરમ્યાન અક્ષય કુમારે પોતાના આ આધ્યાત્મિક પ્રવાસનો અનુભવ શૅર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભગવાનનાં દર્શન કરવાથી તેને ઘણો આનંદ થયો. અક્ષયે કહ્યું, ‘મેં સમગ્ર દેશની સમૃદ્ધિ અને મારા પરિવારની ભલાઈ માટે પ્રાર્થના કરી છે. મેં માગ્યું છે કે આપણો દેશ હંમેશાં પ્રગતિના માર્ગ પર આગળ વધતો રહે અને વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવે.’
રાજકુમાર રાવે તાજેતરમાં પોતાની ફિલ્મ ‘ટોસ્ટર’ની જાહેરાત કરી હતી જે ૧૫ એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. હવે તેણે સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ ‘દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવતો જોવા મળશે. રાજકુમાર રાવે પોસ્ટ શૅર કરીને લખ્યું કે ‘હવે આ સફરની શરૂઆત થઈ ગઈ છે’, જે દર્શાવે છે કે તે આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે.
સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહુજા ૨૯ માર્ચે બીજા દીકરાનાં માતા-પિતા બન્યાં છે. કપલે આ સમાચાર સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં હતાં અને હવે તેમના નવજાત દીકરાની પ્રથમ ઝલક દેખાડી છે. સોનમના નાના દીકરાની પ્રથમ ઝલક તેની માસી અને સોનમની બહેન રિયા કપૂરે શૅર કરી છે. રિયાએ તેના ખોળામાં બાળકનો ફોટો શૅર કરતાં લખ્યું, ‘તને બસ આની જ જરૂર છે અને સોનમ કપૂરને એક સુપર હ્યુમન માતાની શક્તિની.’
સલમાન ખાનના ભાઈ અને ફિલ્મમેકર સોહેલ ખાને અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલી પોતાની કમર્શિયલ ઑફિસ સ્પેસ ૫.૯૦ કરોડ રૂપિયામાં વેચી છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ આ ડીલ તાજેતરમાં પૂર્ણ થઈ છે. આ ઑફિસ સ્પેસ અંધેરી-વેસ્ટના લિન્ક રોડ પર આવેલા ‘આર્ક વન’ બિલ્ડિંગમાં છે. કુલ ૧૫૫૯ સ્ક્વેર ફુટ વિસ્તાર ધરાવતી આ પ્રૉપર્ટી સાથે ૩ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. આ સોદો ૨૭ માર્ચે સત્તાવાર રીતે રજિસ્ટર થયો હતો. દસ્તાવેજ મુજબ આ ટ્રાન્ઝેક્શન માટે ૩૫.૪૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે.
સાઉથની સુપરસ્ટાર જોડી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હાલમાં એક મિત્રનાં લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી અને તેમણે લગ્ન એન્જૉય કર્યાં હતાં. આ લગ્નની તસવીરો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહી છે. વિજયના ભાઈ આનંદ દેવરકોંડાએ પોતાના સોશ્યલ મીડિયા પર અનેક તસવીરો શૅર કરી છે જેમાં તે વિજય, રશ્મિકા અને નવપરિણીત કપલ સાથે જોવા મળે છે.