11 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કપૂર અને દિલીપકુમાર
હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપકુમારનાં પાકિસ્તાનના પેશાવરમાં આવેલાં પૈતૃક ઘરોના નવીનીકરણ અને સંરક્ષણ કરવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય સરકારે નોંધપાત્ર પગલું ભર્યું છે. રિપોર્ટ પ્રમાણે સરકારે આ ઐતિહાસિક ઇમારતોના પુનરુદ્ધાર અને સંરક્ષણ માટે લગભગ ૩.૩૮ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. રાજ કપૂરની કપૂર હવેલી અને દિલીપકુમારનું પૈતૃક ઘર પેશાવરના ઐતિહાસિક કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં આવેલાં છે અને હાલમાં બહુ જર્જરિત હાલતમાં છે. આ બન્ને ઇમારતોને પાકિસ્તાન સરકારે ૨૦૧૪માં રાષ્ટ્રીય વિરાસત તરીકે જાહેર કરી હતી.
ખૈબર પખ્તુનખ્વા પુરાતત્ત્વ વિભાગે આ બન્ને ઇમારતોને દિલીપકુમાર અને રાજ કપૂરના જીવન અને કારકિર્દીને સમર્પિત સંગ્રહાલયોમાં ફેરવવાની યોજના બનાવી છે, જેમાં બન્ને કલાકારોની પેશાવરથી મુંબઈ સુધીની યાત્રા અને તેમના યોગદાનને પ્રદર્શિત કરતી એક ગૅલરી બનાવવામાં આવશે.