06 May, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘રાજા શિવાજી’ બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સારો દેખાવ કરી રહી છે
રિતેશ દેશમુખની ૧૦૦ કરોડના બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રાજા શિવાજી’ પહેલી મેએ રિલીઝ થઈ ગઈ હતી અને એ બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મમાં રિતેશે છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવ્યું છે. તેના સિવાય ફિલ્મમાં સલમાન ખાન, અભિષેક બચ્ચન, બમન ઈરાની, વિદ્યા બાલન અને જેનેલિયા દેશમુખ સહિત ઘણા કલાકારો જોવા મળે છે. ફિલ્મમાં સલમાન શિવાજીના અંગરક્ષક જિવા મહાલાના રોલમાં દેખાય છે, તો વિદ્યા બાલન બડી બેગમ તરીકે નજરે પડે છે. આ સિવાય અભિષેકે ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના મોટા ભાઈ સંભાજી શહાજી ભોસલેનું પાત્ર ભજવ્યું છે.
આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે રિતેશે ખુલાસો કર્યો છે કે ફિલ્મમાં કામ કરવા માટે અભિષેક, સલમાન, વિદ્યા, બમન ઈરાની અને જેનેલિયાએ એક પણ રૂપિયો ફી નથી લીધી. રિતેશે પોતે પણ ફિલ્મ માટે કોઈ ફી લીધી નથી પણ તે આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે.
રિતેશ દેશમુખને લીડ રોલમાં ચમકાવતી ‘રાજા શિવાજી’ને દર્શકો પસંદ કરી રહ્યા છે અને એમાં બડી બેગમનો રોલ કરીને વિદ્યા બાલને બધાનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં વિદ્યાએ છત્રપતિ શિવાજી મહારાજનો વિરોધ કરતી બિજાપુર સલ્તનતની એક શક્તિશાળી રાણીનું પાત્ર ભજવ્યું છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આ રોલ માટે તબુ પહેલી પસંદગી હતી, પરંતુ તારીખોની સમસ્યાને કારણે તેણે આ રોલ કરવાની ના પાડતાં વિદ્યાને સાઇન કરવામાં આવી હતી. ‘રાજા શિવાજી’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન વિદ્યાએ જણાવ્યું હતું કે તે આવો ચૅલેન્જિંગ રોલ કરવાની તક ગુમાવવા નહોતી માગતી એટલે તેણે તરત આ ફિલ્મ સાઇન કરી લીધી.