22 April, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નો બૉક્સ-ઑફિસ પર ધમાકો હજુ પણ યથાવત્ છે. ફિલ્મને રિલીઝ થયાને એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ દર્શકોમાં એનો ક્રેઝ જળવાયેલો છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક આદિત્ય ધરે આ સફળતા પછી એક અનોખો પ્લાન બનાવ્યો છે. ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે ફિલ્મના મેકિંગને પણ મોટા પડદા પર બતાવવાની તૈયારી થઈ રહી છે. આ માટે ફિલ્મના સેટ પાછળનાં તમામ ફુટેજ અને કલાકારોના ઇન્ટરવ્યુને જોડીને એક સંપૂર્ણ ફીચર ફિલ્મ તૈયાર કરવામાં આવશે.
આ ખાસ ફીચર ફિલ્મને ઑગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે. ત્યાર બાદ એને OTT પ્લૅટફૉર્મ પર પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ ફિલ્મના મુખ્ય કલાકારો હાલમાં મીડિયા-ઈન્ટરવ્યુ નથી આપી રહ્યા, કારણ કે તેમના પ્રથમ ઇન્ટરવ્યુ આ બિહાઇન્ડ ધ સીન (BTS) ફિલ્મનો જ ભાગ બનવાના છે. આ રીતે દર્શકોને સીધું થિયેટરમાં જ ખાસ કન્ટેન્ટ જોવા મળશે.
ભારતીય સિનેમામાં આ પ્રકારનો પ્રયોગ પહેલી વાર થઈ રહ્યો છે જ્યાં ફિલ્મના મેકિંગને અલગ ફીચર તરીકે થિયેટરમાં રજૂ કરવામાં આવશે. મેકર્સ ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ પણ BTS ફુટેજ અગાઉથી લીક ન થાય.