02 August, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને સંજય દત્ત
સલમાન ખાન તાજેતરમાં પોતાના ખાસ મિત્ર સંજય દત્તને મળ્યો હતો અને તેમની આ મુલાકાત ખૂબ જ ઇમોશનલ બની ગઈ હતી. સલમાને શનિવારે મોડી રાત્રે લગભગ ૧:૪૦ વાગ્યે આ મુલાકાતની બે તસવીરો શૅર કરી અને સંજય માટે ભરપૂર પ્રેમ વ્યક્ત કર્યો. સંજય દત્તે ૨૯ જુલાઈએ પોતાની ૬૭મી વર્ષગાંઠ ઊજવી હતી અને સલમાન શુક્રવારે તેને મળ્યો હતો.
આ મુલાકાત પછી સલમાન પોતાના મોટા ભાઈ સમાન સંજય દત્તને ભેટતો હોય એવી બે તસવીરો તેણે શનિવારે મોડી રાત્રે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. તસવીરોમાં બન્ને એકબીજાને ખૂબ જ પ્રેમથી ભેટી રહ્યા છે, જેમાં તેમની વર્ષો જૂની મિત્રતા અને ભાઈચારો સ્પષ્ટપણે જોવા મળે છે. આ પોસ્ટ સાથે સલમાન લખ્યું હતું, ‘બાબા, ફૉરેવર બાબા... બાબા તો બાબા જ હોય છે. સંજુ બાબા આપણા બધાનો બાબા છે અને હવે પોતાનાં બાળકોનો પણ બાબા છે. મારા મોટા ભાઈ સંજય દત્તને અલ્લાહ, ભગવાન અને જીઝસ હંમેશાં ખુશ રાખે. આઇ લવ યુ બાબા.’
સલમાન અને સંજયની મિત્રતા ઘણા દાયકાઓ જૂની છે. બન્નેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને વાસ્તવિક જીવનમાં પણ હંમેશાં એકબીજાના સુખ-દુઃખમાં સાથે ઊભા રહ્યા છે. ‘સાજન’, ‘ચલ મેરે ભાઈ’ અને ‘યે હૈ જલવા’ જેવી ફિલ્મોમાં તેમની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.