Total Timepass: જોઈ લો આ રેર ફોટો : આલ્ફ્રેડ હિચકૉક સાથે દિલીપકુમાર અને બૉલિવૂડના બીજા સમાચાર

10 July, 2021 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલિવૂડના ન્યૂઝ એક ક્લિકમાં વાંચો અને જાણો કોણ કપાવશે વાળ અને કોની ફિલ્મ છે તૈયાર વળી ધર્મેન્દ્રએ લાગણીશીલ થઇ શું કહ્યું

આલ્ફ્રેડ હિચકૉક સાથે દિલીપકુમારની તસવીર

સુધીર મિશ્રાએ ગઈ કાલે દિલીપકુમારનો આલ્ફ્રેડ હિચકૉક સાથેનો ફોટો શૅર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વર્લ્ડ સિનેમામાં આલ્ફ્રેડ હિચકૉકનું ખૂબ જ મોટું નામ છે. તેઓ ૧૯૫૫માં ઇન્ડિયાની મુલાકાતે આવ્યા હતા ત્યારનો આ ફોટો છે. આ ફોટો શૅર કરીને સુધીર મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે ‘૧૯૫૫માં હિચકૉકે ઇન્ડિયાની મુલાકાત લીધી ત્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. તેઓ તેમની ફિલ્મ ‘ધ ટ્રબલ વિથ હૅરી’ની પ્રમોશનલ ટૂર પર હતા. તેમણે તેમની ફિલ્મના બૉમ્બે પ્રીમિયરમાં હાજરી આપી હતી. ઘણાં–ઘણાં વર્ષો પહેલાં દિલીપસાહેબે અમને ઘણા લોકોને તેમના ઘરે બોલાવ્યા હતા. મને યાદ છે કે મારી સાથે કેતન મહેતા અને ગોવિંદ નિહલાણી પણ હતા. કાશ, અમે ફોટો લીધો હોત. તેઓ જેટલા અદ્ભુત ઍક્ટર હતા એટલા જ અદ્ભુત વ્યક્તિ પણ હતા. સર તમારો આભાર.’

દિલીપકુમારને યાદ કરી ધર્મેન્દ્ર ઈમોશનલ થયા

દિલીપકુમારને ફરીથી યાદ કરીને ધર્મેન્દ્ર ઇમોશનલ થઈ ગયા છે. ૭ જુલાઈએ લાંબી માંદગી બાદ દિલીપસા’બ આ દુનિયામાંથી અલવિદા થયા છે. તેમને અંતિમ વિદાય આપવા માટે બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી. એ વખતે દિલીપકુમારનો ચહેરો પોતાના હાથમાં લઈને ધર્મેન્દ્ર પોતાના પર નિયંત્રણ નહોતા મેળવી શક્યા. હવે ફરી એક વખત ધર્મેન્દ્રએ તેમને યાદ કર્યા છે. ટ્વિટર પર એક વિડિયો શૅર કરીને ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું હતું કે ‘દોસ્તો, દિલીપ સાહબ કી રુખ્સતી પર...મેરે... આપ કે રૂંદે રૂંદે જઝબાત યે... ઉસ અઝીમ ફનકાર...ઉસ નેકરૂહ ઇન્સાન કો...એક શ્રદ્ધાંજલિ હૈ...વો ચલે ગએ... ઉનકી યાદેં ના જા પાએગી.’

સલમાન  ખાન અને તેની બહેન વિરુદ્ધ ચંડીગઢમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

 

સલમાન ખાન અને તેની બહેન અલ્વિરાની સાથે અન્ય લોકો વિરુદ્ધ ચંડીગઢમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમને ચંડીગઢ પોલીસ દ્વારા સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. ચંડીગઢમાં રહેતા બિઝનેસમૅન અરુણ ગુપ્તાએ બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનના સીઈઓ અને અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે ૨૦૧૮માં તેણે ‘બીઇંગ હ્યુમન જ્વેલરી’ની શરૂઆત કરતાં એમાં ૨-૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે દરેક પ્રકારે તેને ટેકો આપવાની સાથે બ્રૅન્ડને પ્રમોટ કરવામાં આવશે. જોકે ન તો પ્રમોશન કરવામાં આવ્યું ન તો તેને આપવામાં આવેલાં કોઈ વચનો પૂરાં કરવામાં આવ્યાં. સાથે જ સ્ટોર માટે જરૂરી સામાન પણ પૂરો ન પાડવામાં આવ્યો. બાદમાં જાણ થઈ કે ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં એ ઑફિસ પણ બંધ થઈ ગઈ છે એટલું જ નહીં, શોરૂમના ઉદ્ઘાટન વખતે સલમાન ખાન પણ આવવાનો હતો, પરંતુ આયુષ શર્મા પહોંચ્યો હતો. આ બધા કડવા અનુભવોને લઈને આખરે અરુણ ગુપ્તાએ ફરિયાદ કરી છે.

ટેક ઑફ માટે તૈયાર ‘ફાઇટર’

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ હવે ટેક ઑફ માટે તૈયાર છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ ફૉરેનમાં કરવામાં આવશે. આ ઇન્ડિયાની પહેલી એરિયલ ઍક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. દીપિકા સાથેનો ફોટો શૅર કરીને હૃતિકે કેપ્શન આપી હતી કે ટેક ઑફ માટે ગૅન્ગ રેડી છે.

લાંબા વાળને બાય-બાય કહેવાનો છે વરુણ ધવન

વરુણ ધવન ટૂંક સમયમાં જ પોતાના લાંબા વાળને અલવિદા કહેવાનો છે. તેની ‘ભેડિયા’નું છેલ્લા શેડ્યુલનું શૂટિંગ પૂરું થવા આવ્યું છે. આ ફિલ્મમાં વરુણની સાથે ક્રિતી સૅનન, અભિષેક બૅનરજી અને દીપક ડોબરિયાલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. પોતાનો મોનોક્રોમ ફોટો વરુણે શૅર કર્યો છે. તેના મિરર સેલ્ફીમાં તેની લાંબી દાઢી અને લાંબા વાળ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘છેલ્લો દિવસ છે. ‘ભેડિયા’નું આગામી ૨૪ કલાકમાં અગત્યના લાસ્ટ સીનનું શૂટિંગ કરવામાં આવશે. અમને કોઈ પણ સ્ટિલ્સ બહાર પાડવાની પરવાનગી નથી. આ મારો મિરરની સામેનો છેલ્લો ફોટો છે અને હા, છેવટે મારા લાંબા વાળને, દાઢીને, મારા ડિરેક્ટરને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. અમર કૌશિકે મને આવો બનાવ્યો હતો. આમ છતાં આ કંઈ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે.’

dilip kumar Salman Khan varun dhawan bollywood news entertainment news