28 October, 2024 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલન
‘ભૂલભુલૈયા’ સિરીઝના ત્રીજા ભાગમાં વિદ્યા બાલનનું પુનરાગમન થયું છે ત્યારે તેણે એક એવી વાત કહી છે જે અત્યાર સુધી આપણે જાણતા નહોતા. ‘ભૂલભુલૈયા’ પહેલી વાર ૨૦૦૭માં આવી હતી. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, શાઇની આહુજા, અમીષા પટેલ, પરેશ રાવલ, મનોજ જોશી, રાજપાલ યાદવ, અસરાની, વિક્રમ ગોખલે હતાં. વિદ્યા એ ફિલ્મમાં અવનિ ચતુર્વેદી અને મંજુલિકાના ડબલ રોલમાં હતી.
મંજુલિકાના પાત્રમાં વિદ્યા બાલને ધમાલ મચાવી હતી એટલે જ્યારે પ્રોડ્યુસર ભૂષણ કુમારે ‘ભૂલભુલૈયા’ની સીક્વલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સ્વાભાવિક રીતે જ વિદ્યા બાલનનો સંપર્ક કર્યો હતો. વિદ્યાએ જોકે ‘ભૂલભુલૈયા 2’માં ફરીથી મંજુલિકા બનવાની ના પાડી દીધી હતી, કારણ કે તેને એ વાતનો ડર લાગ્યો કે પહેલી ફિલ્મમાં જે સફળતા મળી હતી એની તોલે આવે એવું કામ ફરીથી ન થઈ શક્યું તો નામ ખરાબ થશે.
શુક્રવારે રૉયલ ઑપેરા હાઉસમાં ‘ભૂલભુલૈયા 3’ના ગીત ‘આમી જે તોમાર ૩.૦’ના લૉન્ચિંગ વખતે ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘મેં ‘ભૂલભુલૈયા 2’ માટે વિદ્યાજીને અપ્રોચ કર્યો હતો પણ તેમણે ના પાડી દીધી હતી. અમે જ્યારે એનું ટ્રેલર લૉન્ચ કરી રહ્યા હતા ત્યારે કમસે કમ એમાં સામેલ થવાની મેં તેમને વિનંતી કરી હતી એટલે તેમણે એ ટ્રેલર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તેમને સીક્વલ ખૂબ ગમી હતી અને તેમણે ત્યારે કહેલું કે હું ત્રીજા ભાગમાં ચોક્કસ કામ કરીશ.’