હરિયાણા છોડીને મુંબઈ નહોતો આવવા માગતો યુઝવેન્દ્ર ચહલ

28 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એને લીધે વિખવાદ એટલો વધી ગયો હતો કે આખરે ડિવૉર્સ લેવા પડ્યા એવી ચર્ચા

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર-ઍક્ટ્રેસ-કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર-ઍક્ટ્રેસ-કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના તાજેતરમાં ડિવૉર્સ થયા છે. બન્નેએ ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં, પરંતુ પાંચ વર્ષમાં જ બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. ધનશ્રી અને ચહલની મુલાકાત કોરોના દરમ્યાન લૉકડાઉનમાં થઈ હતી. આ બન્નેના ડિવૉર્સનું અત્યાર સુધી કોઈ નક્કર કારણ જાહેર નથી થયું.

જોકે એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના સંબંધોમાં સ્ટ્રેસ સર્જાવાનું કારણ ધનશ્રીની મુંબઈ શિફ્ટ થવાની ઇચ્છા હતી. ધનશ્રી ઇચ્છતી હતી કે યુઝવેન્દ્ર તેની સાથે મુંબઈ શિફ્ટ થાય, પરંતુ યુઝવેન્દ્ર એ માટે તૈયાર નહોતો. આ મુદ્દે બન્ને વચ્ચે મતભેદ વધ્યા અને વાત ડિવૉર્સ સુધી પહોંચી ગઈ.

રિપોર્ટ મુજબ લગ્ન પછી ધનશ્રી ચહલના પરિવાર સાથે હરિયાણામાં રહેતી હતી. તે માત્ર જરૂરી કામ માટે જ મુંબઈ આવતી હતી. ધીમે-ધીમે મુંબઈમાં ધનશ્રીનું કામ વધવા માંડ્યું એને લીધે તેને સતત મુસાફરીમાં મુશ્કેલી થવા માંડી. એ સંજોગોમાં યુઝવેન્દ્ર માતા-પિતાથી અલગ રહેવા નહોતો માગતો અને ધનશ્રીને પણ હરિયાણામાં સાથે રાખવા માગતો હતો. આખરે બન્નેએ અલગ થવાનું પસંદ કર્યું.

યુઝવેન્દ્ર ચહલ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ માટે રમે છે. IPL શરૂ થવાના બે દિવસ પહેલાં જ તેના ડિવૉર્સ થયા હતા.

Yuzvendra Chahal celebrity divorce dhanashree verma mumbai haryana social media youtube cricket news entertainment news indian cricket team sports news sports bollywood bollywood news bollywood buzz