ટ્રાન્સમીડિયા એવૉર્ડના ૨૧મા વર્ષના ગુજરાતી ફિલ્મો-નાટકોના નૉમિનેશન જાહેર, જુઓ લિસ્ટ

04 February, 2024 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ અને ગુજરાતમાં વર્ષ દરમિયાન રિલીઝ થયેલા મોટાભાગના નાટકોને પણ એન્ટ્રી મળી

તસવીરો: આયોજક ટીમ

છેલ્લા ૨૦ વર્ષથી મુંબઈની ધરતી પર દબદબાભેર યોજાતા વિશ્વના સૌથી મોટા અને સૌથી જૂના ટ્રાન્સમીડિયા એવૉર્ડની ટીમ દ્વારા ૨૧મા વાર્ષિક ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવૉર્ડ ૨૦૨૩ (21st Transmedia Award)ના ગુજરાતી ફિલ્મો તથા મુંબઈ અને ગુજરાતના નાટકોના નૉમિનેશન આજે જાહેર કરવામાં આવ્યા છે.

આયોજકો દ્વારા તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે સિનેમા અને ઓટીટી પર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો તથા ગુજરાત અને મુંબઈના નાટકોની એન્ટ્રી મગાવવામાં આવી હતી. આ વર્ષે કુલ ૪૨ જેટલી ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી તથા ૨ ગુજરાતી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થઈ હતી, જેમને અધીકૃત એન્ટ્રી મળી હતી. આ મુજબ મુંબઈ અને ગુજરાતમાં વર્ષ દરમિયાન રિલીઝ થયેલા મોટાભાગના નાટકોને પણ એન્ટ્રી (21st Transmedia Award) મળી હતી.

તટસ્થ જ્યુરી દ્વારા કુલ ૪૨ ફિલ્મો તથા બે ઓટીટીની ફિલ્મોનું ચોકસાઈપૂર્વક સ્ક્રીનિંગ કરી વિધિવત રીતે નૉમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. કુલ ૪૨ ફિલ્મોમાંથી ૨૦ + ૨ એમ કુલ ૨૨ ફિલ્મોને અલગ-અલગ સંખ્યામાં નૉમિનેશન મળ્યા છે. સૌથી વધુ ૧૪ જેટલા નૉમિનેશન સાથે સૌલસુત્ર પ્રોડક્શનની ફિલ્મ `કચ્છ એક્સપ્રેસ` સૌથી આગળ છે. જ્યારે ૯ નૉમિનેશન સાથે `હું ઇકબાલ`, `શુભ યાત્રા` અને `હું અને તું` બીજા નંબર પર છે.

આ ઉપરાંત ૮ નૉમિનેશન સાથે `લકીરો`, ૬ નૉમિનેશન સાથે `કર્મ`, `મીરા` તથા `બચુભાઈ`,  ૫ નૉમિનેશન સાથે `ચલ મન જીતવા-૨`, ૪ નૉમિનેશન સાથે `હરી ઓમ હરી` તથા `હેલ્લો`, ૩ નૉમિનેશન સાથે `આગંતુક` અને `સરપંચ`, ૨ નૉમિનેશન સાથે `વેલકમ પુર્ણિમા` અને `કોગ્રેચ્યુલેશન્સ` અને ૧ નૉમિનેશન સાથે `જય શ્રી ક્રિષ`, `ચાર ફેરાનું ચકડોળ`, `વર પધરાવો સાવધાન`, `પોપટ` અને `કહી દેને પ્રેમ છે` સ્પર્ધામાં છે.

ટ્રાન્સમીડિયાની પ્રણાલી મુજબ આ વર્ષે ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝનના ખૂબ જ સિનિયર કલાકાર અનંગ દેસાઈ તથા `સાસ ભી કભી‌ બહુ થી`ના બા એટલે કે લીલી પટેલને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ અપાતો સ્વ. ગોવિંદભાઈ પટેલ મહારથી એવૉર્ડ આ વર્ષે બોલિવૂડના જાણીતા કલાકાર શર્મન જોષીને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સંગીત બેલડી સ્વ. મહેશ - સ્વ. નરેશના નામથી અપાતો મહેશ - નરેશ એવૉર્ડ આ વર્ષે યુવા સંગીતકારો સંજીવ - દર્શનને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી બોલિવૂડના જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ગાંધી – ગોડસે’માં ગાંધીજીનું પાત્ર આબેહૂબ ભજવનાર ટ્રાન્સમીડિયા પરિવારના જ સદસ્ય એવા દિપક અંતાણીને ટ્રાન્સમીડિયા વિશેષ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.

જુઓ નૉમિનેટ થયેલા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોની સંપૂર્ણ યાદી

આગામી ૨૪ ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે ખાસ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય સમારંભ માટે ટ્રાન્સમીડિયાના સી.એમ.ડી. જસ્મીન શાહના નેતૃત્વ હેઠળ રાજુ સાવલા, અભિલાષ ઘોડા, દિપક અંતાણી, વિજય રાવલ ફરી એકવાર આ ઇવેન્ટને સફળ બનાવવા સંપૂર્ણ કટીબદ્ધ છે.

dhollywood news entertainment news mumbai mumbai news