02 January, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નાટ્યરસિકો માટે શુભ સમાચાર છે. ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધાનો સેમી ફાઇનલ રાઉન્ડ ત્રીજીથી ૨૪ જાન્યુઆરી સુધી મુંબઈમાં યોજાવાનો છે. એમાં બાવીસ નાટકો ભજવાશે અને એમાંથી પસંદગી પામેલાં નાટકોનો ફાઇનલ રાઉન્ડ ફેબ્રુઆરીમાં યોજાશે. આ નાટ્યસ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં ૪૫ નાટકોની એન્ટ્રી આવી હતી એમાંથી બાવીસ નાટકો સ્પર્ધાના સેમી ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી પામ્યાં છે. સ્પર્ધાનું આ ૧૮મું વર્ષ છે. ૨૦૦૭થી આ સ્પર્ધા દર વર્ષે યોજાય છે.
દર વર્ષે સેમી ફાઇનલનો રાઉન્ડ ગુજરાતનાં વિવિધ શહેરોમાં યોજાતો અને મુંબઈને ફાઇનલ સ્પર્ધાનાં ૧૦-૧૧ નાટકો જોવા મળતાં. આ વખતે મુંબઈ ભાગ્યશાળી નીવડ્યું છે અને સેમી ફાઇનલ રાઉન્ડ તેમ જ ફાઇનલ રાઉન્ડ પણ મુંબઈમાં યોજાવાનો છે. ભવન-ચોપાટીમાં શરૂઆતનાં ચાર નાટકો, ઘાટકોપર (ઝવેરબેન-ભૂરીબેન)માં પાંચ નાટકો, SNDT કૉલેજ (માટુંગા)માં પાંચ નાટકો, MKES (મલાડ)માં પાંચ નાટકો અને અંતિમ ત્રણ નાટકો ભવન-ચોપાટીમાં યોજાશે. ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ એમ વિવિધ શહેરોની સંસ્થાઓ આ નાટ્યસ્પર્ધામાં ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાં ઐતિહાસિક, હૉરર, સામાજિક, કૉમેડી, થ્રિલર, મર્ડર મિસ્ટરી જેવા વિવિધ વિષયોનાં નાટકો ભજવાશે. મુંબઈગરાઓ માટે આખો જાન્યુઆરી મહિનો નાટ્યમય બની રહેશે.