06 February, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધામાં આજથી અંતિમ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેમાં ૧૬ ફેબ્રુઆરી સુધી દરરોજ એક એટલે કે કુલ ૧૧ નાટકો માણવા મળશે. આ તમામ નાટકો ભવન-ચોપાટીમાં ભજવાશે. આ નાટ્યોત્સવમાં આજે મુંબઈસ્થિત ડીસન્ટ પ્રોડક્શન્સનું નાટક ‘ધ ફૉલ્સ ફેઇન્ટ લાઇન’ ભજવાશે જેના લેખક-દિગ્દર્શક ધીર શાહ છે. આ નાટકમાં અવનિ પોતાના પતિ પાર્થનું સ્વપ્ન પૂરું કરવા સિસ્ટમ સામે લડે છે. પાર્થ ગંભીર અકસ્માતમાં ઘાયલ થઈને કોમામાં પડ્યો છે. આશા-નિરાશા વચ્ચે એક આછી ધૂંધળી રેખા હોય છે. એ રેખાને આ દંપતી ઓળંગી શકે છે કે નહીં અથવા તો કેવી રીતે ઓળંગશે એ જોવું રસપ્રદ બની રહેશે. નાટકનો સમય સાંજે ૭ વાગ્યાનો છે.